ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર હવે છટકી નહી શકે : ટોલ નાકેથી ટ્રાફિકનો દંડ પણ વસુલાશે
ગુજરાત સરકારનો ઈ-ડીટેકશન પ્રોજેક્ટ : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર હવે છટકી નહી શકે
ચાલુ માસના અંતથી જ ટોલ નાકા ઉપર ગોઠવાઈ જશે વ્યવસ્થા
પહેલા તબક્કામાં કોમર્શીયલ અને બીજા તબક્કામાં ખાનગી વાહનોને આવરી લેવાશે
વાહનચાલકો ટોલ નાકા પરથી પસાર થશે કે તરત ફાઈન વસુલ કરાશે
ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને છટકી જતા વાહનચાલકો પાસેથી દંડ વસુલવા માટે સરકારે હવે નવો રસ્તો વિચાર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઈ-ચલનને ફાસ્ટેગ સાથે જોડીને આ દંડ વસુલવામાં આવશે. આ માટે સરકાર ઈ-ડીટેકશન પ્રોજેક્ટ શરુ કરવા વિચારી રહી છે. ચાલુ માસના અંતથી જ આ પ્રોજેક્ટ ઉપર અમલ થવા લાગશે અને પ્રથમ તબક્કામાં કોમર્શીયલ વ્હીકલ તથા બીજા તબક્કામાં ખાનગી વ્હીકલને આવરી લેવામાં આવશે.
અત્યારની સ્થિતિએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારના ઈ-ચલન નીકળે તો છે પણ તેઓ દંડ ભરવામાંથી બચતા રહે છે અને કરોડો રૂપિયાનો દંડ વસુલવાનો બાકી છે. પરંતુ સરકારે હવે આ રસ્તો વિચાર્યો છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર PUC , વીમો અથવા ટેક્સ ચુકવણીની રસીદો જેવા આવશ્યક દસ્તાવેજો ન ધરાવતા વાહનચાલકો પાસેથી આપમેળે દંડ વસૂલવા ઈ-ચલાનને વાહનના FASTag સાથે જોડી દેવામાં આવશે.જેથી જેમના નામે ઈ-ચલાન નીકળ્યા હોય અને દંડ ભર્યો ન હોય તેવા લોકોના ફાસ્ટેગમાંથી જ દંડની રકમ ડેબિટ થઈ જશે. જેમના નામે દંડ બોલતો હશે તેઓ ટોલ નાકા પરથી પસાર થશે કે તરત દંડ વસુલ કરી લેવામાં આવશે.
સૌથી પહેલા કોમર્શિયલ વાહનોને આ સિસ્ટમમાં આવરી લેવામાં આવશે અને તેમના પર જે દંડની રકમ બાકી નીકળતી હશે તે વસુલ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે આ બહુ ચિંતાજનક ફેરફાર છે કારણ કે તેમને આકરો દંડ થાય તેવી શક્યતા છે.
સુત્રો અનુસાર, જે હેવી વ્હીકલ્સ પાસે પીયુસી સર્ટિફિકેટ નથી, ઈન્શ્યોરન્સ અથવા ટેક્સ પેમેન્ટની રિસિપ્ટ નથી તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે. બીજા તબક્કામાં કાર અને હળવા વાહનોને પણ તેમાં સમાવી લેવામાં આવશે.શરૂઆતમાં ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશનનો ઉપયોગ કરીને ટ્રાન્સપોર્ટના વાહનોને ટાર્ગેટ કરાશે અને ત્યાર પછી પ્રાઈવેટ વ્હીકલનો વારો આવશે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, જુલાઈ મહિનાના અંતમાં ચાર ટોલ ટેક્સ ચેકપોઈન્ટ પર આ પ્રોજેક્ટ શરૂ થઇ જશે. . તેમાં પીળી નંબર પ્લેટ ધરાવતા વાહનો જેમ કે કેબ ટેક્સી, ગુડ્સ વ્હીકલ, બસ અને બીજા વાહનોને કવર કરી લેવાશે. પછી કારને પણ તેમાં કવર કરાશે.નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ કલેક્શન કેન્દ્રોને પ્રોજેક્ટમાં જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં, આ ટોલ પ્લાઝા પરના ઓપરેટરો દરરોજ તમામ પરિવહન વાહનોનો ડેટા ઈ-ડિટેક્શન સોફ્ટવેર પર અપલોડ કરશે.
આ ડેટાને ‘વ્હીકલ સોફ્ટવેર’ સાથે ચકાસવામાં આવશે અને બાકી વીમા, PUC પ્રમાણપત્રો, પરમિટ, ટેક્સ અથવા ફિટનેસ સર્ટિફિકેટ ન ધરાવતા કોઈપણ પરિવહન વાહનોને ‘ઈ-ચલાન’ સૉફ્ટવેર દ્વારા ચલાન પાઠવી કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે. વાહન માલિકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા નોટિફિકેશન પણ પ્રાપ્ત થશે.
ગુજરાતમાં લાખો લોકો એવા છે જેમના વાહનોના ઈ-ચલાન નીકળ્યા છે, પરંતુ ચલાનનું પેમેન્ટ નથી થયું.