- કુવાડવા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા પતિ-પત્નીનું કરૂણ મોત
- પુરપાટ ઝડપે દોડી આવતા ટ્રકે દંપતીના બાઈકને પાછળથી ઠોકર મારી ચગદી નાખ્યા : બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કરી કાર્યવાહી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બાઈકને હડફેટે લેતા પતિ-પત્નીના મોત કમકમાટીભર્યાં મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કુવાડવા રોડ પોલીસ ચોકીની સામે જ બનેલી ઘટના બની હતી. મૃતક લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેને સ્થળ પર જ દમ તોડ્યો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી.
બનાવની વિગત મુજબ આજે સાંજે 4 વાગ્યે શહેરની ગ્રીનલેન્ડ ચોકડીની નજીક અમદાવાદ હાઈવે પર આવેલ મેંગો માર્કેટ સામે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે તેમની આગળ જતા બાઇકને ફૂટબોલની જેમ ફંગોળતા બાઈક સવાર લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી અને તેમના પત્ની ભાવનાબેન લાલજીભાઈ રૈયાણી પટકાઈને રોડ ઉપર પડ્યા હતા.
બંનેને ગંભીર ઈજા થતાં તત્કાલ કોઈ જાગૃત નાગરિકે 108 ને જાણ કરતા 108ના ઈએમટી ડોક્ટરે એમ્બ્યુલન્સ સાથે આવી દંપતીને તપાસતા સ્થળ પર જ બંનેને મૃત ઘોષિત કર્યા હતા.
બનાવના પગલે પીસીઆર વાન સાથે કોસ્ટેબલ બ્રિજરાજસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ તરફ કુવાડવા રોડ પોલીસની ટીમ સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી તેમજ મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. બનાવના પગલે રૈયાણી પરિવારમાં ભારે કલ્પના છવાયો છે.