- `વોઈસ ઓફ ડે’ના અહેવાલને શહેરીજનોએ બિરદાવ્યો, જવાબદારો કુંભકર્ણની નિદ્રામાં
હાઈ-વે ઓથોરિટી, સરપંચ, મહાપાલિકાના વેટરનરી ઓફિસર સહિતનાએ આપ્યા ગોળ ગોળ જવાબ
રોજ થઈ રહેલા અકસ્માતથી લોકો ઘાયલ થાય-મૃત્યુ પામે છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલે…ગજબ કહેવાય !
- ગુજરાત હાઈકોર્ટે શહેરોને ઢોરમુક્ત કરવાનો આદેશ આપ્યા બાદ તંત્ર દોડતું થયું તેવું જ ટૂંક સમયમાં બને તો નવાઈ નહીં…
રાજકોટથી અમદાવાદ જનારા દરેક વાહનને રસ્તામાં ક્યાંકને ક્યાંક ઢોર નડ્યું ન હોય અથવા તો વાહન સાથે અથડાયું ન હોય તેવું ન બન્યું હોય તો જ તેઓ ભાગ્યશાળી ગણાશે ! વળી, હાઈ-વે ઉપર એક-બે નહીં બલ્કે ઢોરનો ઢગલો હોવાને કારણે હવે તો લોકો હાઈ-વેને `ઢોરની ગમાણ’ જ કહેવા લાગ્યા છે. આ અંગે `વોઈસ ઓફ ડે’ દ્વારા તંત્રનો કાન આમળવામાં આવ્યો હતો પરંતુ જવાબદાર અધિકારીઓ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવી રીતે આ સમસ્યા દૂર કરવાની જગ્યાએ જવાબદારીની ફેંકાફેંકી કરવા લાગ્યા હતા. `વોઈસ ઓફ ડે’ દ્વારા આ અંગે હાઈ-વે ઓથોરિટી, સરપંચ, મહાપાલિકાના વેટરનરી ઓફિસર સહિતનાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે તેમના તરફથી શું જવાબ મળ્યા તે અત્રે પ્રસ્તુત છે..
અમે રસ્તા ખાલી ન કરાવી શકીયે, લાગુ તંત્રનું ધ્યાન દોરી શકીયે
હાઈ-વે ઓથોરિટીના અધિકારી રાકેશ શર્માનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ જવાબદારી હાઈ-વે ઓથોરિટીની નથી. અમારું કામ માત્ર રસ્તા ખાલી કરાવવાનું જ છે. જો રસ્તા પર ઢોર બેઠેલું દેખાય તો તેને દૂર કરવા માટે અમે લાગુ તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. ઢોરમુક્ત કરવાનું સંપૂર્ણ કાર્ય માત્રને માત્ર સ્થાનિક તંત્રનું જ છે. અમારા સુપરવાયઝર ઢોર જુએ તો તે અંગેની જાણ કરી શકે એ સિવાય અમે બીજું કશું ન કરી શકીયે…!
મનપાની હદ નવાગામ સુધીની છે, ત્યાં સુધી બધું જ ક્લિયર છે
મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ભાવેશ જાકાસણિયાએ જણાવ્યું કે મહાપાલિકાની હદ નવાગામ સુધીની છે અને ત્યાં સુધીના રસ્તા પર અમે એક પણ ઢોરને બેસવા દેતાં નથી. જેવું ઢોરપકડ પાર્ટીના ધ્યાન પર રસ્તે બેઠેલું ઢોર આવે એટલે તેને જપ્ત કરી લેવામાં આવે છે. નવાગામ બાદનો વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હોય ઢોરને રસ્તા પરથી હટાવવાની જવાબદારી તેમના હાથમાં છે નહીં કે મહાપાલિકાના હાથમાં…!
અમારા પાસે ઢોર પકડવાની કોઈ જ વ્યવસ્થા નથી, શું કરીએ ?
કૂવાડવા ગામના સરપંચ સરપંચ પીપળીયાએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું કે અમારા પાસે ઢોર પકડવાની કોઈ જ વ્યવસ્થા નથી. અમે રસ્તા પર બેઠેલા ઢોરને તગેડી મુકીયે છીએ પરંતુ થોડી જ વારમાં તે ફરી રસ્તા ઉપર આવી જાય છે. આ પાછળ લોકો દ્વારા રસ્તા ઉપર ઘાસ નાખવામાં આવતું હોવાનું કારણ મુખ્યત્વે જવાબદાર છે. એકલું કૂવાડવા જ નહીં બલ્કે અન્ય ગામોની પંચાયતની પણ આ જ સ્થિતિ એટલા માટે જિલ્લા પંચાયતે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ…!
હાઈ-વે ઢોરમુક્ત કરવા કાર્યવાહીનો આદેશ આપતાં ડીડીઓ
રાજકોટના ડીડીઓ નવ્નાથ ગવ્હાણેએ જણાવ્યું કે આ મુદ્દે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો રસ્તે રખડતાં ઢોર બિનવારસું હશે તો તેને સરકાર સંચાલિત ગૌશાળામાં મોકલી અપાશે. જો ઢોર કોઈની માલિકીનું હોય તો ગ્રામ પંચાયત દ્વારા તેને સજા પણ કરી શકે તેવી જોગવાઈ છે. હવે ટૂંક સમયમાં જ હાઈ-વે પરથી ઢોર દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
રસ્તા ઢોરમુક્ત કરો: હાઈ-વે ઓથોરિટીને પત્ર લખતું એરપોર્ટ
`વોઈસ ઓફ ડે’માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાઈ-વે ઓથારિટીને આ સમસ્યા અંગે કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે ઓથોરિટી આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું…