- ત્રણેય ઝોન પાસે રસ્તા રિપેરિંગ માટે પડેલી ૧૦-૧૦ કરોડની ગ્રાન્ટ ઉપરાંત બાકીના ખર્ચને પહોંચી વળવા સરકાર પાસે હાથ લંબાવાશે
- અત્યારે થીગડા મારીને ગાડું ગબડાવાશે, મોટા ખાડાને બૂરવા જેટપેચર મશીન મુકાશે: અમુક વિસ્તારોમાં મોરમ પાથરી દેવાઈ
- કામ શરૂ થાય તે પહેલાં જ ફરી વરસાદ પડતાં બધું ખોરંભે
રાજકોટમાં અત્યારે ચાર દિવસની અંદર પડી ગયેલા ૩૨ ઈંચથી વધુ વરસાદ કરતાં ઠેર-ઠેર રસ્તા પર પડેલાં નાના-મોટા ગાબડાંની ચર્ચા વધુ થઈ રહી છે. કોઈ પણ રસ્તે પસાર થાવ તમને ગાબડાં દેખાયા વગર રહેશે જ નહીં ! રાજકોટ ૩૫ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે ચાર દિવસ સુધી પડેલાં વરસાદને કારણે ૭૫૦થી વધુ ખાડાં પડી ગયા હોવાનું મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વે પરથી બહાર આવ્યું છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે ત્રણેય ઝોનના રોડ-રસ્તા રિપેરિંગ માટે ૧૦-૧૦ કરોડની ગ્રાન્ટ ઉપલબ્ધ છે જેનાથી કામ શરૂ કરી દેવાશે. જો કે આટલી રકમમાં તમામ રસ્તા ઠીક થઈ શકે તેમ ન હોવાથી વધારાના ખર્ચ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે. એકંદરે વરસાદને કારણે રોડ-રસ્તાને થયેલા નુકસાનનો સર્વે રિપોર્ટ પણ સરકારને મોકલી દેવામાં આવ્યો હોવાથી ત્યાંથી બને એટલી ઝડપથી ગ્રાન્ટની ફાળવણી થાય તેવી શક્યતા છે.
બીજી બાજુ અત્યારે નાના ગાબડા ઉપર થીગડા મારીને ગાડું ગબડાવાશે જ્યારે મોટા ખાડાને બૂરવા માટે જેટપેચર મશીનનો ઉપયોગ કરવામાં આવશે. અમુક વિસ્તારોમાં મોરમ પાથરી દેવામાં આવી છે. જો કે ગાબડા બૂરવાનું કામ શરૂ થાય તે પહેલાં જ મંગળવારે ફરી વરસાદ ખાબકતાં ફરી બધું ખોરંભે ચડી જવા પામ્યું હતું.
એક સપ્તાહમાં વૃક્ષ-ડાળીઓ તૂટી ગયાની અધધ ૬૦૨ ફરિયાદ
વરસાદને કારણે રોડ-રસ્તા બાદ વૃક્ષોને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. એકંદરે એક સપ્તાહની અંદર શહેરમાં વૃક્ષ-ડાળીઓ તૂટી પડ્યાની અધધ ૬૦૨ ફરિયાદો મળી હોવાનું મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ ૭૧ ફરિયાદ વોર્ડ નં.૧૦માંથી મળી હતી મતલબ કે આ વોર્ડમાં સૌથી વધુ વૃક્ષો તૂટ્યા હોવાનું ફરિયાદો પરથી લાગી રહ્યું છે. હજુ પણ વૃક્ષ અને તેની ડાળીઓ ઉપાડવાનું કામ ચાલી રહ્યું હોય આંકડામાં વધારો થઈ શકે છે.