મારે નિવૃત્ત થવાને હજુ ઘણી વાર છે: બુમરાહ
હજુ તો મેં શરૂઆત કરી છે
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની નિવૃત્તિ અંગે ખુલાસો કર્યો છે. ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ટી-૨૦માંથી નિવૃત્ત થઈ ગયા છે. આ પછી બુમરાહને લઈને અટકળો વહેતી થઈ હતી જેને બુમરાહે સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
વિક્ટરી પરેડ બાદ આયોજિત કાર્યક્રમમાં બુમરાહે સંન્યાસની વાતને ફગાવતાં કહ્યું કે હજુ તો નિવૃત્તિ બહુ જ દૂર છે. મેં હજુ તો શરૂઆત કરી છે. જસ્સીએ વાનખેડે સ્ટેડિયમની યાદોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યું કે આ મેદાન બહુ ખાસ છે. હું જ્યારે બાળક હતો ત્યારે અહીં આવ્યો હતો. આજે મેં જે જોયું છે એવું પહેલાં ક્યારેય જોયું નથી.
૩૦ વર્ષીય બુમરાહે ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં ૧૫ વિકેટ ખેડવી હતી. તેને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરાયો હતો. તેણે કહ્યું કે ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ દરેક ખેલાડીના ચહેરા પર ખુશીના આંસુ હતા. હું મારા પુત્રને ભાવુક થઈ ગયો હતો. સામાન્ય રીતે આવું થતું નથી પરંતુ એ સમયે મારી પાસે કહેવા માટે શબ્દો ન્હોતા. હું બે-ત્રણ વખત રડ્યો હતો.