138 બેંકમાં ટ્રાન્ઝેકશનો ઠપ્પ,5 હજાર કરોડના વ્યવહારો અટક્યા
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક સાથે જોડાયેલ 21 બેંકોમાં 700 કરોડના વ્યવહારોને અસર : વાયરસ સોફ્ટવેર અપડેટને કારણે અસર, ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા
અગાઉ રેન્સમવેર એટેક બાદ તાજેતરમાં માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે વિશ્વભરમાં અફરાતફરી મચ્યા બાદ બેન્કિંગ ક્ષેત્રે સાયબર એટેકને કારણે દેશની 138 બેંકોના યુપીઆઈ સહિતના નેટબેન્કિંગના વ્યવહારો ખોરવાતા 5000 કરોડના વ્યવહારો અટકી પડ્યાની સાથે જ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક સાથે જોડાયેલ 21 બેંકોમાં 700 કરોડના વ્યવહારોને અસર પડી હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ સાયબર એટેક ન હોવાનું અને વાયરસ સોફ્ટવેર અપડેટને કારણે મુશ્કેલી પડી રહી હોવાનું ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું.
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના આજના યુગમાં મોટાભાગની પૈસાની લેતીદેતી ડિજિટલ સ્વરૂપે કરવામાં આવે છે. દેશભરમાં નાણાકીય વ્યવહારમાં યુપીઆઈ સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, ત્યારે સોમવારથી દેશની 138 બેંકના પાંચ હજાર કરોડના યુપીઆઈ સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો બંધ થયા છે. જેમાં બેંકોમાં હાલ રેન્સમવેર એટેક સામનો કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતની 21 બેંકના 700 કરોડના ટ્રાન્ઝેક્શન રેન્સમવેર એટેકની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, આ સાયબર એટેકના કથિત પ્રકરણમાં કોઈ પ્રકારનો ફ્રોડ કે આર્થિક નુકસાન થયું ન હોવાનું બેન્કિંગ વર્તુળો જણાવી રહ્યા છે.
કમ્પ્યુટર વાયરસના કારણે મોટાભાગના બેંકિંગ સેવાને અસર પહોંચી છે. તેવામાં બેંકને આર્થિક નુકસાન સામે સાવચેતી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, રેન્સમવેર એટેકના કારણે અત્યારસુધીમાં દેશની 138 બેંક સહિત ગુજરાતના 21 બેંકોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતા. જ્યારે સિસ્ટમ બંધ થયાના ત્રીજા દિવસે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવા શરુ ન થતા દેશની 138 બેંકોના 5 હજાર કરોડ અને ગુજરાતની 21 બેંકોના 700 કરોડના ડિઝિટલ ટ્રાન્ઝેક્શન અટવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.
આ રેન્સમવેર એટેકથી મુખ્યત્વે અર્બન કો. ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ બેંક, સહકારી બેંક સહિતની બેંકોને અસર પહોંચી છે.બેંક પર થયેલા આ એટેકને લઈને રાજકોટના કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના સીઈઓ પરસોતમભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે, સોમવારથી ક્લિયરિંગને અસર પડી છે, ખાસ કરીને સ્ટેટ કો-ઓપરેટીવ સંલગ્ન બેન્કોને વધુ અસર થઇ છે, જો કે, હાલની સ્થિતિમાં કોઈ આર્થિક નુકશાન ન હોવાનું અને સમસ્યા નિવારવા કામગીરી ચાલુ હોય આજે ગુરુવારના દિવસે ક્ષતિ દૂર થઇ જવાની આશા તેમને વ્યક્ત કરી પેનિક વિષય ન હોવાનું જણાવી પેમેન્ટ અટક્યા નથી પણ ડીલે થયાનું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના સૉફ્ટવેરમાં ખામીની હોવાની વાત માત્ર અફવા છે. વાસ્તવમાં એન્ટી વાયરસ સર્ટિફિકેટને લઈને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વધુમાં આ મામલે બેન્કના સત્તાધીશોએ જલ્દીથી કામગીરી શરૂ થશે તેવી બાહેધરી પણ આપી હતી.