રાજકોટ: બજેટમાં પાણીવેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સૂચવાયો
કદમાં ૩૪૫ કરોડના વધારા સાથે છખઈનું ૨૦૨૪-૨૫નું ૨૮૧૭ કરોડનું બજેટ રજૂ
પાણીવેરામાં રહેણાકમાં ૮, કોમર્શિયલમાં મહિને ૧૭, ઘેર-ઘેરથી કચરો એકઠો કરવામાં રહેણાક- કોમર્શિયલમાં વર્ષે ૩૬૫ રૂપિયાના વધારાનું સૂચન
૧૭.૭૭ કરોડનો વેરો વધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપાયું: ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો પ્રજાની કેડે વેરાબોજનો સ્વીકાર કરે તેવી શક્યતા નહિવત્
પાણી વેરાની આવકમાં ૩.૨, ગાર્બેજ કલેક્શનમાં ૧૩.૦૭ કરોડની આવક વધવાનો અંદાજ
બજેટમાં અધિકારીઓ દ્વારા પાણી વેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સુચવાયો છે ત્યારે જો તેનો અમલ કરવામાં આવશે તો મહાપાલિકાની તીજોરીને ફાયદો થશે. પાણી વેરાની અત્યાર સુધીની આવક ૫૩.૧૭ કરોડ રૂપિયા હતી જેમાં ૩.૨ કરોડનો વધારો સુચવાતાં હવે આવકનો આ આંક ૫૬.૩૭ કરોડે પહોંચશે. આવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની આવક ૨૬.૮૫ કરોડ હતી જેમાં ૧૩.૦૭ કરોડનો વધારો સુચવાતા ૩૯.૯૨ કરોડે પહોંચશે.
ખુલ્લા પ્લોટ પરના વેરામાં વધારાની દરખાસ્ત
આ ઉપરાંત ખુલ્લા પ્લોટ પરના વેરામાં વધારો કરવાનું સુચન પણ કરાયું છે. અત્યાર સુધી ૫૦૦ ચોરસ મીટર સુધીના ખુલ્લા પ્લોટ પર પ્રતિ ચોરસમીટર ૧૪ રૂપિયા વેરો વસૂલાતો હતો જેને યથાવત રખાયો છે. જ્યારે ૫૦૦ ચોરસ મીટરથી વધુના ખુલ્લા પ્લોટમાં પ્રતિ ચો.મી. ૨૮ની જગ્યાએ ૩૦ રૂપિયા વેરો વસૂલવાનું સુચન કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરી દેવામાં આવ્યું છે. એકંદરે આ વર્ષના બજેટના ૩૪૫ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવતાં તેનું કદ વધીને ૨૮૧૭ રૂપિયા થઈ ગયું છે. બજેટમાં મિલકત વેરા સહિતના દર યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ પાણી વેરો અને ગાર્બેજ કલેક્શનમાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે. એકંદરે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રજાની કેડે ૧૭.૭૭ કરોડનો વેરા બોજ નાખવાનું સુચન કર્યું છે જેને સ્ટેન્ડિંગ કમિટી બહાલી આપે તેવી શક્યતા નહીંવત્ રહેલી છે કેમ કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું વર્ષ છે.
૨૦૨૩-૨૪ના બજેટનું કદ ૨૪૭૨ રૂપિયા હતું જેની સામે આ વખતે ૨૮૧૭ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. પાણી વેરામાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે તેમાં રહેણાક હેતુ જેમાં મકાન-ફ્લેટ સહિતના પાસેથી મહિને ૧૨૫ રૂપિયા અને વર્ષે ૧૫૦૦ રૂપિયા વેરો વસૂલવામાં આવ્યો હતો પરંતુ બજેટમાં આ વેરો વધારીને ૧૩૩ રૂપિયા માસિક અને ૧૬૦૦ રૂપિયા વાર્ષિક વધારો સુચવાયો છે. આવી જ રીતે કોમર્શિયલ મિલકતો પાસેથી મહિને ૨૫૦ અને વર્ષે ૩૦૦૦નો વેરો વસૂલાતો હતો જેમાં હવે ૨૬૭ રૂપિયા મહિને અને ૩૨૦૦ રૂપિયા વર્ષે વસૂલવાનું સુચન કરાયું છે. આવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શન મતલબ કે ઘેર-ઘેર જઈને કચરો એકઠો કરવાના દરમાં પણ વધારો સુચવવામાં આવ્યો છે. અત્યારે સુધી રહેણાક મિલકતો પાસેથી દરરોજ ૧ રૂપિયો વસૂલાતો હતો જેને ૨ રૂપિયા કરવા સુચવાયું છે તો કોમર્શિયલ મિલકતો પાસેથી અત્યાર સુધી ૪ રૂપિયા વસૂલાતા હતા જેમાં ૧ રૂપિયાનો વધારો કરવાનું સુચન કરવામાં આવ્યું છે.
સ્માર્ટ સિટીમાં પ્લોટ ધરાવતા લોકોને બમણો વેરો ભરવો પડે તેવું સૂચન
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર (ટીપી સ્કીમ નં.૩૨)માં અત્યાર સુધી ૧૪ અને ૨૮ રૂપિયા વેરો વસૂલવામાં આવતો હતો જેમાં બમણો વધારો કરીને ૬૦ રૂપિયા કરવાનું સુચન કરવામાં આવ્યું છે જેને સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.
ગાંધી મ્યુઝિયમ આસપાસના વિસ્તારનું બ્યુટિફિકેશન કરાશે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપાયેલા ડ્રાફ્ટ બજેટમાં ગાંધી મ્યુઝિયમ આસપાસના વિસ્તારનું બ્યુટિફિકેશન કરવાનું સુચન કરવામાં આવ્યું છે. કમિશનરે જણાવ્યું કે ગાંધી મ્યુઝિયમની મુલાકાતે જે મુલાકાતીઓ આવે છે તેમને અંદર તો ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આવો જ અનુભવ સંકુલની બહારના ભાગમાં થાય તે માટે અમુક સુધારા કરવામાં આવશે જે માટે મ્યુઝિયમની આસપાસના રોડ, તેને લાગુ રોડ, ફૂટપાથ સહિતનાને આકર્ષક બનાવવામાં આવશે.
પેલેસ રોડ-ભક્તિનગર સર્કલથી જલારામ ચોક સુધીના રસ્તાને ફૂડ ઝોન બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા પેલેસ રોડ તેમજ ભક્તિનગર સર્કલથી જલારામ ચોક સુધીના રસ્તા પર ૫૬ જેટલી દુકાનો ધરાવતો ફૂડ ઝોન બનાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં ખાણી-પીણીની શુદ્ધ અને સાત્વિક વાનગીઓ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
રેલનગર તેમજ માધાપર વિસ્તારમાં નવી શાક માર્કેટ-ફૂડ ઝોનનું આયોજન
મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૧માં મોર્ડન હોકર્સ ઝોન (મહિલા માર્કેટ)નું આયોજન કરાયું જ છે સાથે સાથે વોર્ડ નં.૩ના નવા વિકસતા રેલનગર-માધાપર વિસ્તારમાં નવી શાક માર્કેટ-ફૂડ ઝોનનો ઈરાદો જાહેર કરાયો છે જેના પાછળ ત્રણેક કરોડનો ખર્ચ થશે.
રેલનગરમાં સફાઈ કામદારો માટે કોમ્યુનિટી હોલ બનશે
ડ્રાફ્ટ બજેટમાં વોર્ડ નં.૩માં આવેલા રેલનગરમાં ચાર કરોડના ખર્ચે સફાઈ કામદારો માટે આધુનિક કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૭માં શ્રી વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું કામ શરૂ થવા પર હોવાનું જણાવાયું છે.
સ્માર્ટ સિટીમાં પાંચ કરોડના ખર્ચે બનશે `શહીદ પાર્ક’
મહાપાલિકા દ્વારા ૧૫૦૦ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓની જીવન ઝરમર દર્શાવતો શહિદ પાર્ક બનાવવાનું સુચન કરવામાં આવ્યું છે. આ શહિદ પાર્ક શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં ગુજરાતના દેશભક્તો અને શહિદોને સમર્પિત હશે. આ ઉપરાંત તેમાં ગુજરાતના નાયકોની વસ્તુઓ અને ઈતિહાસ દર્શાવતી ગેલેરી અથવા સંગ્રહાલય, શહિદોની દિવાલ સાથે સ્મારક હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક એમ્ફિથિયેટર સહિતની સુવિધાઓ ઉભી કરાશે જેના પાછળ પાંચ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૫માં સ્પોન્જ સિટી બનાવવામાં આવશે જેથી વરસાદી પાણી રોકી અને તે પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરાશે.
પ્રદ્યુમન પાર્કમાં વિશાળ કદના ઉંદર સહિતના પ્રાણી આવશે
શહેરીજનો માટે ફરવાના સ્થળો પૈકીના એક એવા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આ વર્ષે અનેક પ્રકારના નવા પ્રાણીઓ લાવવામાં આવશે. આ પ્રાણીઓમાં હિપોપોટેમસ, બ્લેક શ્વાન, ક્રાઉન પીજીયન, માર્મોસેટ (વાનર) અને કોયપુ (પાણીના વિશાળ કદના ઉંદર) લાવવાની તજવીજ ચાલી રહી છે. આ પ્રાણીઓ માટે પાંજરા બનાવવા માટેના ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રેલનગર-મુંજકા સહિતના વિસ્તારોમાં બનશે આરોગ્ય કેન્દ્ર
મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૫, ૧૮, ૧,૮,૧૦,૧૧, ૧૨ અને ૯માં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે. આ ઉપરાંત વોર્ડ નં.૩માં રેલનગરમાં એક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો ઈરાદો છે. જ્યારે રેલનગર વિસ્તારમાં આધુનિક ટીબી સેન્ટર નિર્માણ કરાશે. આરોગ્ય કેન્દ્ર અને ટીબી સેન્ટરના નિર્માણ માટે ૧૦ કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે. હાલ રાજકોટમાં ૨૩ જેટલા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વધારો કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે.
આટલી જગ્યાએ બનશે બગીચા
- વોર્ડ નં.૧માં રૈયા ટીપી સ્કીમ નં.૧૧
- વોર્ડ નં.૧૮માં કોઠારિયા ટીપી સ્કીમ
- મવડી ટીપી સ્કીમ
- રેલનગર મેઈન રોડ પર
- વોર્ડ નં.૧૧માં મવડી ટીપી સ્કીમના પ્લોટમાં
- કોઠારિયા વિસ્તારમાં બામ્બુ વન
- પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં કેક્ટસ (થોર) ગાર્ડન
- આજી ડેમ દૂરદર્શન સ્ટુડિયોની બાજુના પ્લોટમાં