સાવધાન: સિવિલમાં ઓપરેશન કરાવતાં દર્દીઓ પર બીમારી’નો ઝળુંબતો ખતરો !!
તબીબો ઓપરેશન કરે તે પછી તેમાં ઉપયોગમાં લેવાયેલા સાધનોને
જંતુમુક્ત’ કરવાનું બોઈલર ૬-૬ મહિનાથી બંધ: ટ્રોમા સેન્ટરના છઠ્ઠા માળે મહાકાય મશીનો ધૂળ ખાઈ રહ્યા છે: સ્ટાફને અન્ય વિભાગમાં મૂકી દેવાયાનો આક્ષેપ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે જ્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હજારો દર્દીઓ પોતાની સુશ્રુષા (સારવાર) કરાવવા માટે આવી રહ્યા છે. આમ તો સિવિલમાં દર્દીઓને જરા અમથી તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા તબીબી સ્ટાફ તેમજ વહીવટી તંત્રને વારંવાર સુચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ આ સુચનાઓની કોઈ જ અસર થઈ રહી ન હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ ભગા' અને અવ્યવસ્થા સામે આવી રહી છે. આવી જ એક ગંભીર બેદરકારી ફરી ઉઘાડી પડી હોય તેવી રીતે હવે દર્દીઓના ઓપરેશન કર્યા બાદ સાધનોને
જંતુમુક્ત’ કરવાનું બોયલર (મશીન) છ-છ મહિનાથી બંધ હોવાનું ખુલતાં અનેક દર્દીઓ પર કેન્સર-એઈડસ થવાનો ખતરો ઝળુંબી રહ્યો હોવાની ચિંતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૧૦થી ૧૫ જેટલા ઓપરેશન થઈ રહ્યા છે જેમાં અલગ-અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઓપરેશનમાં ખાસ કરીને ટાંકા લેવા સહિતના સર્જિકલ ઓપરેશનો સામેલ છે. દર્દીનું ઓપરેશન પૂર્ણ થયા બાદ તેમાં વપરાયેલા સાધનોનો ટ્રોમા સેન્ટરના છઠ્ઠા માળે આવેલા બોયલર રૂમમાં લઈ જવાના હોય છે અને ત્યાં રખાયેલા મશીનમાં તેને સાફ કરીને `જંતુમુક્ત’ કરવામાં આવતા હોય છે. જો કે છેલ્લા છ મહિનાથી આ તમામ મશીન બંધ હાલતમાં હોવાથી સાધનો જંતુમુક્ત થઈ રહ્યા નથી જેના કારણે એક દર્દીના ઓપરેશનમાં વપરાયેલા સાધનો જંતુમુક્ત કર્યા વગર જ બીજા દર્દીઓમાં વપરાતાં હોવાની શક્યતા નકારી શકાતી નથી.
જાણવા મળ્યા પ્રમાણે જ્યાં આ બોયલર રાખવામાં આવ્યા છે ત્યાં તૈનાત સ્ટાફને અન્ય વિભાગમાં ફરજ સોંપી દેવામાં આવી હોવાના આક્ષેપો પણ કરાયા છે ત્યારે આ વાત જો સાચી હોય તો ઘણી જ ગંભીર ગણી શકાય તેમ હોવાથી સત્તાધીશોએ તાત્કાલિક આ દિશામાં ધ્યાન આપવાની જરૂરિયાત લાગી રહી છે.
ટાંકા લીધા બાદ સાધનો આ મશીનમાં સાફ કરવાના હોય છે
જાણકારો પાસેથી મળેલી વિગતો મુજબ આ મશીનનો સૌથી વધુ ઉપયોગ સર્જિકલ વૉર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોઈ વ્યક્તિને છરી લાગી હોય તો તેને ટાંકા લેવાની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે તે દર્દીના ટાંકા લીધા બાદ વપરાયેલા સાધનો આ મશીનમાં જંતુમુક્ત કરવાના હોય છે. આ ઉપરાંત અન્ય પ્રકારના ઓપરેશનોમાં ઉપયોગ થયેલા સાધનોને પણ આ મશીન થકી જ જંતુમુક્ત કરીને બીજી વખત ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આ મશીન છ મહિનાથી બંધ હોવાને કારણે દર્દીઓ કોઈ ગંભીર બીમારીમાં સપડાય તે પહેલાં તાકિદે તેને શરૂ કરવા જરૂરી છે.