રાજકોટમાં આગમનની છડી પોકારતા મેઘરાજા
સાંજે ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી : વાતાવરણ આહલાદક બન્યુ
આમ તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ બેસી જ ગયુ છે પણ આગળ વધતુ અટકી ગયું હતુ અને રાજકોટમાં લોકોની ધીરજ ખૂટવા આવી હતી. જો કે, આજે બપોર પછી મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી હતી અને મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. આ ઝાપટાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી. સમી સાંજે આવેલા વરસાદને લીધે વાતાવરણ પણ આહલાદક બની ગયું હતુ.
ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત થશે જળબંબોળ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમા પાણી પાણી થઇ જશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, એટલુ જ નહીં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું પણ નિર્માણ થશે. તેમણે કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.
આજે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ
રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ પડે તેમ છે. કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. સોમવારે ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક નોંધાઈ શકે છે.