ગ્લોબલ વોર્મિંગની અસર, છેલ્લા 9 મહિનામાં ખરાબ હવામાને લીધો 3200થી વધુ લોકોનો જીવ
છેલ્લાં થોડા વર્ષોથી દેશના અનેક હિસ્સામાં ભીષણ ગરમી, કાતિલ ઠંડી અને ધોધમાર વરસાદ અને માવઠાનું પ્રમાણ વધ્યું
દેશમાં ભારે વરસાદ, ગરમી અને ભૂસ્ખલનના કારણે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024ના પ્રથમ નવ મહિનામાં ભીષણ ગરમી અને ભારે વરસાદની ઘટનાથી 3200થી વધુ લોકોના મોત થયા છે, 2.3 લાખથી વધારે ઘર નાશ પામ્યા છે.
ભારતમાં વર્ષ 2024ના પ્રથમ નવ મહિનના 274 દિવસમાંથી 255 દિવસ ખરાબ હવામાન રહ્યું હતું. રિપોર્ટ મુજબ, ભીષણ ગરમી, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 3238 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે 3.2 મિલિયન હેક્ટર પાકને અસર થઈહતી. ભારે વરસાદથી 2,35,862 ઘર અને ઈમારતો નાશ પામી હતી, જ્યારે 9457 પશુના મોત થયા હતા.
રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશમાં વર્ષ 2024ના 9 મહિનામાં 176 દિવસ સૌથી ખરાબ રહ્યા હતા. જે દેશમાં સૌથી વધારે છે. ખરાબ હવામાનના કારણે કેરળમાં સૌથી વધારે 550 લોકોનાં મોત થયા હતા. જે બાદ મધ્યપ્રદેશમાં 353 અને આસામમાં 256 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આપણ વાંચો: ગ્લોબલ વોર્મિંગની અસરઃ ભારત બાદ જાપાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 225 વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો ઓક્ટોબર…
ભારે વરસાદથી આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 85,806 ઘર ક્ષતિગ્રસ્ત થયા હતા. મહારાષ્ટ્રમાં 142 દિવસ વાતાવરણ ખરાબ રહ્યું હતું. રિપોર્ટ મુજબ, 2024માં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખરાબ હવામાનના દિવસોમાં વૃદ્ધિ જોવા મળી છે. જેમાં કર્ણાટક, કેરળ અને ઉત્તરપ્રદેશ અગ્રેસર છે.
વર્ષ 2024માં ક્લાયમેટ ચેન્જના ઘણા વિક્રમો પણ સ્થાપિત થયા હતા. 1901 પછી જાન્યુઆરી ભારતનો નવમો સૌથી સૂકો મહિનો હતો. ફેબ્રુઆરીમાં દેશમાં 123 વર્ષમાં બીજું સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ચોથું સૌથી વધુ સરેરાશ તાપમાન મે મહિનામાં નોંધાયું હતું. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 1901 પછીનું સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જાન્યુઆરી બીજો સૌથી સૂકો મહિનો હતો. જુલાઈમાં આ વિસ્તારમાં નોંધાયેલું તે બીજું સૌથી વધુ લઘુત્તમ તાપમાન હતું. માર્ચ અને એપ્રિલમાં અસાધારણ ગરમી અને હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે જુલાઈમાં 36.5 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ઓગસ્ટમાં બીજું સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
એક્સપર્ટે જણાવ્યું કે, આ વિક્રમજનક આંકડા ક્લાયમેટ ચેન્જની અસર દર્શાવે છે. જે ઘટનાઓ સદીમાં એક વાર બનતી હતી તે હવે દર પાંચ વર્ષે કે તેનાથી ઓછા સમયમાં બની રહી છે. રિપોર્ટ અનુસાર, પૂરને કારણે 1,376 લોકોનાં, જ્યારે વીજળી અને વાવાઝોડાને કારણે 1,021 લોકોનાં મોત થયાં હતા. આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 210 લોકોના મોત થયા હતા.