શેરબજારમાં જબરી ઉથલપાથલ : 1000 પોઇન્ટની અફડાતફડી સામાન્ય થઇ ગઈ છે
- વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આક્રમણ લેવાલી
ભારતીય શેરબજારમાં હાલ એવી સ્થિતી છે કે હજાર પોઇન્ટની વધઘટ હવે સામાન્ય બાબત બનતી જાય છે.છેલ્લા ઘણા બધા ટ્રેડિંગ સેશન થી આવી તોફાની વધઘટ જોવા મળી રહી છે.ખાસ કારણોની વાત કરીએ તો આવી ઉથલપાથલ માટે ચૂંટણીના પરિણામો હોય, જિયો પોલિટિકલ ઇસ્યુ હોય, કંપનીઓના પરિણામો હોય કે પછી વિદેશી નાણાકીય સંસ્થાઓની વેચવાલી હોય .આવા કારણો થકી શેર બજારમાં મોટા ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે.
સેકન્ડરી માર્કેટ તો ઠીક પણ પ્રાઇમરી માર્કેટમાં પણ લિસ્ટિંગ માં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.અઠવાડિયામાં બે આઇ.પી.ઓ ના લિસ્ટિંગ હોય તો એમાંથી એક નું લિસ્ટિંગ ખૂબ જ પ્રીમિયમ થી થાય છે તો બીજા આઇ.પી.ઓ નું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ માં પણ થતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી એવો માહોલ હતો કે 90% કંપનીઓના લિસ્ટિંગ પ્રીમિયમ થી જ થતા હતા એટલે કે રોકાણકારો નો વિશ્વાસ બજાર પર જળવાયેલો રહેતો હતો. હવે તો રોકાણકારો પણ મૂંઝાય છે કે કયો આઈ.પી.ઓ ભરવો અને કયો આઈ.પી.ઓ ન ભરવો.
જે આઈ.પી.ઓ ભરે,અરજી કરે અને શેરો એલોટ થાય તો તે શેરોનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ માં થાય છે અને જે આઈ.પી.ઓ ભરે નહીં,એના શેરો નું લિસ્ટિંગ પ્રીમિયમ થી થતુ જોવા મળતા રોકાણકારોમાં મૂંઝવણ જોવા મળી રહી છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા પ્રમાણે ઘણા બધા કારણોને લઈને શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.આવનારા દિવસોમાં બજારમાં સ્થિરતા જોવા મળશે.ખાસ કરીને અમેરિકામાં સત્તા પલટો થઈ રહ્યો છે.નવા અમેરિકન પ્રેસિડેન્ટ નું ભારત તરફનું વલણ પણ ઘણું મહત્વનું શેર બજાર માટે સાબિત થશે.ઉપરાંત આવનારી રિઝર્વ બેન્કની પોલીસી પર પણ બજારની નજર છે.ત્રીજા ક્વાટર ના પરિણામો જાન્યુઆરીમાં બજારમાં અસર કરશે.વિદેશી નાણાકીય સંસ્થાઓનું વલણ ઉપરાંત ક્રૂડના ભાવોની પણ બજાર પર અસર જોવા મળશે.
એકંદરે એક-બે મહિના પછી બજારમાં સ્થિરતા જોવા મળશે.ઉપરાંત બજારમાં નવું રોકાણ કરવા નવા રોકાણકારો આવશે અને બજાર ફરી તેજીની ચાલ પકડશે.ફેબ્રુઆરીમાં કેન્દ્રીય અંદાજપત્ર જાહેર થશે જેની અસર પણ બજારમાં જોવા મળશે. આવનારા દિવસો પ્રાઇમરી માર્કેટ માટે પણ ખૂબ જ અગત્યના સાબિત થશે.કારણ કે ઘણા મોટા અને મેગા આઇ.પી.ઓ બજારમાં આવી રહ્યા છે. માર્ચ સુધીમાં સરકાર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ના ટાર્ગેટ પૂરા કરવા ઘણી બધી કંપનીઓના ઓ.એફ.એસ પણ આવશે.
દેશમાં ડિમેટ ધારકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.શેરબજારમાં 20 કરોડથી વધુ ડિમેટ ધારકોની સંખ્યા છે.બેન્ક ડિપોઝિટ્સ કરતા લોકોને શેરબજારમાં વધુ રસ પડી રહ્યો છે.મહિને 25,000 કરોડથી વધુની એસ.આઈ.પી આવી રહી છે.મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પણ મહદ્ અંશે શેરબજારમાં જ થતો હોય છે.મ્યુચ્યુઅલ ફંડના નાણાં પણ અંતે તો શેર બજારમાં જ ઠલવાતા હોય છે.
ટૂંકમાં એવું કહી શકાય કે શેરબજારમાં ઉતાર ચઢાવ રહેશે પરંતુ લાંબા ગાળે તો શેર બજારમાં તેજીની શક્યતા જ છે અને બજારમાં નવા-નવા હાઈ થતાં જ રહેશે તેની કોઈ શંકા નથી.