રાજ્યસભાએ પાસ કરેલું ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન બીલ શું છે ?? જાણો બિલના મહત્વ અને વિશેષતા વિશે
એક જાગૃત નાગરિક તરીકે દેશના બે ગૃહો – લોકસભા અને રાજ્યસભામાંથી કયા ખરડા પસાર થાય છે, કાયદામાં શું નવા સુધારા આવે છે અને કયા જુના બીલને મંજુરી મળે છે તે બધા ઉપર એક નજર અચૂક હોવી જોઈએ. રાજ્યસભાએ ઓઇલ સેક્ટર (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, 2024 પસાર કર્યું છે. તે બીલ ભારતમાં તેલ અને ગેસના સંશોધનને સંચાલિત કરતા કાયદાઓમાં નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. આ બહુ મહત્વપૂર્ણ બદલાવ છે.
ઓઈલ સેક્ટર એમેન્ડમેન્ટ બિલ
ખરડો તેલ અને ગેસને જમીનની અંદર શોધવાની પદ્ધતિઓને લગતા નિયમોને સરળ, વધુ કાર્યક્ષમ અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવા માટેનું કાયદાઓનું લેટેસ્ટ અપડેશન છે.
કાયદાનું આધુનિકીકરણ : ભારતના તેલ અને ગેસને લગતા કાયદાઓ અગાઉ ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 1948 હેઠળ હતા, જે જૂના ખાણકામ કાયદાઓમાંથી અપનાવવામાં આવ્યા હતા. આ સુધારો આજના ઊર્જાના પડકારોને અનુરૂપ છે માટે આ નવા કાયદાઓને આધુનિક કહી શકાય.
પેટ્રોલિયમ લીઝ માટેના નવા નિયમો: આ એક “પેટ્રોલિયમ લીઝ” સિસ્ટમ રજૂ કરે છે, જે કંપનીઓ માટે તેલ અને ગેસની ભૂસ્તર સંશોધન પ્રક્રિયા, ઉત્પાદન અને ફિલ્ટરેશન પ્રોસેસને સરળ બનાવે છે. આ લીઝ સંશોધન, ઉત્પાદન અને સંસાધનોના નિર્માણ જેવી પ્રવૃત્તિઓને આવરી લેશે.
બિલનું મહત્વ:
રોકાણને પ્રોત્સાહન: આ બિલનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ બનાવીને વિદેશી અને સ્થાનિક રોકાણને આકર્ષવાનો છે. સરળ નિયમો, ઓછા કાનૂની અવરોધો અને વિવાદોના સ્પષ્ટ નિરાકરણ ધરાવતી પ્રણાલીઓ કંપનીઓ માટે ભારતમાં કામ કરવાનું સરળ બનાવે છે.
નીતિની સ્થિરતા: તેલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ ભાર મૂક્યો હતો કે નવો કાયદો નીતિઓમાં સ્થિરતા સુનિશ્ચિત કરે છે. રોકાણકારો હવે નિયમોમાં વારંવાર ફેરફારની ચિંતા કર્યા વિના લાંબા ગાળાના પ્રોજેક્ટનું આયોજન કરી શકે છે.
ઇકો-ફ્રેન્ડલી પ્રોસેસ: આ બિલમાં પર્યાવરણની સુરક્ષા, ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને ટેકો આપવા અને ભારતના આબોહવા લક્ષ્યો પુરા કરવાની જોગવાઈઓ પણ શામેલ છે.
સ્થાનિક ઉત્પાદનમાં સુધારો: ભારત તેના 85% કરતાં વધુ ક્રૂડ તેલ અને તેની કુદરતી ગેસની લગભગ અડધા જરૂરિયાત જેટલો જથ્થો આયાત કરે છે. આ બિલનો ઉદ્દેશ્ય સ્થાનિક સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને તે નિર્ભરતાને ઘટાડવાનો છે.
બિલની વિશેષતાઓ
આકરો દંડ: કાયદાઓના ઉલ્લંઘન માટે દંડ નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, માન્ય લીઝ વિના કામ કરવા પર હવે 25 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે, અને સતત ઉલ્લંઘન માટે વધારાના દંડ લાગુ પડશે.
વિવાદનું નિરાકરણ : એક વરિષ્ઠ અધિકારી વિવાદોના ઉકેલ ઉપર જ ફોકસ કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ એક્ટ, 2006 હેઠળ અપીલને ખાસ ટ્રિબ્યુનલમાં લઈ જઈ શકાય છે.
અદ્યતન વ્યાખ્યાઓ: “ખનિજ તેલ” ની વ્યાખ્યામાં હવે બિનપરંપરાગત સંસાધનો જેમ કે શેલ ગેસ, કોલ બેડ મિથેન અને ચુસ્ત તેલનો સમાવેશ થાય છે. જો કે, તેમાં કોલસો, લિગ્નાઈટ અને હિલીયમનો સમાવેશ થતો નથી.
ભારતનું એનર્જી સેક્ટર
નવો કાયદા પાસે અપેક્ષાઓ:
ટેક્નોલોજીને પ્રોત્સાહન : પેટ્રોલિયમ કામગીરીને પરંપરાગત ખાણકામની શરતોથી અલગ કરીને, બિલ હાઈ-ટેક ટેકનોલોજી આધારિત અભિગમને પ્રોત્સાહન આપે છે.
ઉર્જા સુરક્ષામાં વધારો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને લાંબા ગાળાનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે બિલને મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
આર્થિક વૃદ્ધિને ટેકો: મજબૂત એનર્જી સેક્ટર એટલે વધુ નોકરીઓ, બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયાત પર ઓછી નિર્ભરતા.
આ બિલને ભારતના ઉર્જા ક્ષેત્ર માટે ઐતિહાસિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. નિયમોનું આધુનિકીકરણ કરીને, પર્યાવરણીય ધ્યેયોને સમર્થન આપીને અને રોકાણને પ્રોત્સાહન આપીને આ કાયદો ભારતને ફાયદો કરશે. ઓઈલ અને ગેસ જેવી કોમોડીટીમાં ભારત વૈશ્વિક સ્તરે પોતાનું વજન વધારે તે જરૂરી છે.