કેન્દ્રના બજેટમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ માટે શું થઈ શકે છે જાહેરાત ? વાંચો
દેશમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે નાણા મંત્રાલયે 25,000 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી છે. નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ હવે કેબિનેટની મંજૂરી લેવી પડશે. આ પછી આગામી કેન્દ્રીય બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે ઉદ્યોગ આ યોજના માટે 40,000 કરોડ રૂપિયા સુધીની માંગ કરી રહ્યો છે.
સ્થાનિક મૂલ્યવૃદ્ધિમાં સુધારો થશે
પીએલઆઈ સ્કીમમાં કેમેરા મોડ્યુલ્સ તેમજ બેટરીઓ અને ડિસ્પ્લેની પેટા-એસેમ્બલીને આવરી લેવાની અપેક્ષા છે અને તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ ચીનથી આયાત નિર્ભરતા ઘટાડવાનો છે.
રોયટર્સે નવેમ્બર 2024માં વિકાસની જાણકારી ધરાવતા એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે નવી યોજના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જેવા મુખ્ય સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે, સ્થાનિક મૂલ્યવૃદ્ધિમાં સુધારો કરશે
6 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન બમણું
ભારતનું ઈલેક્ટ્રોનિક ઉત્પાદન છેલ્લા 6 વર્ષમાં બમણું થઈને 2024 સુધીમાં $115 બિલિયન સુધી પહોંચી ગયું છે, જેમાં એપ્પલ અને સેમસંગ જેવી મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પીએલઆઈ યોજના સ્થાનિક અને વૈશ્વિક રોકાણને આકર્ષી શકે છે અને ભારતના ઉત્પાદન અને સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરી શકે છે.
10 લાખ સુધીની આવક કરમુક્ત કરવા આરએસએસ સંલગ્ન યુનિયનોની માંગ
દરમિયાનમાં આરએસએસ સાથે સંલગ્ન યુનિયનોએ પણ નાણામંત્રી નિર્મલા સમક્ષ કેટલીક માંગણીઓ મૂકી છે અને બજેટમા રાહતો આપવા જણાવ્યું છે. યુનિયનો દ્વારા એવી માંગ કરાઇ છે કે દેશમાં સામાન્ય લોકો પણ ખર્ચ કરી શકે તે માટે રૂપિયા 10 લાખ સુધીની આવક કરમુક્ત કરવાની જરૂર છે. સાથે ખાસ કૃષિ પેકેજ પણ આપવું જોઈએ. જીએસટી રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવાની આવશ્યકતા છે. ચીનના આયાતને ઘટાડવા માટે ઉત્પાદન ક્ષેત્રમાં પણ રાહતો આપવી જોઈએ.