વિદેશમંત્રીએ કહ્યુ, આ કોઈ નવી વાત નથી
રાજ્યસભામાં વિપક્ષે અમેરિકાથી ભારતીય ઈમિગ્રન્ટ્સ પરત આવવા અને પ્રયાગરાજ મહાકુંભની ઘટના સહિત અનેક મુદ્દાઓ પર હંગામો કર્યો હતો. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર પાસે આ મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ બે વાગ્યે કાર્યવાહી શરુ થયા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાથી પરત આવેલા ભારતીય નાગરિકોના મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીયોને દેશનિકાલ કર્યા એ નવી વાત નથી. વર્ષોથી આવા ડિપોર્ટેશન થતા આવ્યા છે. વર્ષ 2009માં 747 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવ્યા હતા. આવી જ રીતે સેંકડો લોકોને દર વર્ષે ભારત પરત મોકલવામાં આવે છે.

ડિપોર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પગલું કાયદેસર અમેરિકા જતા લોકોને પ્રોત્સાહન આપવા અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હતોત્સાહિત કરવા માટે ભરવામાં આવે છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ત્યાં અમાનવીય સ્થિતિમાં ફસાઇ ગયા હતા અને આપણા દેશના નાગરિકો છે એટલે આપણે એમને પાછા લેવાના જ છે.
ભારત સરકાર ડિપોર્ટેશન મામલે સતત અમેરિકન સરકાર સાથે સંપર્કમાં જ હતી, કે જેથી ભારતીયો સાથે અમાનવીય વ્યવહાર ના થાય. જયશંકરે 2009થી અત્યાર સુધી દરેક વર્ષમાં કેટલા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા તેના આંકડા પણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે અંતર્ગત દર વર્ષે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પરત મોકલવામાં આવે છે.
વિપક્ષી સાંસદોના સવાલ બાદ વિદેશમંત્રી એસ. જયશંકર ફરી જવાબ આપવા માટે ઊભા થયા. તેમણે કહ્યું હતું, કે ‘104 ભારતીયોની વતન વાપસીની અમને જાણકારી હતી. અમને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. અમે તંત્રને નિર્દેશ આપ્યા છે કે જેટલા લોકો પરત આવ્યા છે તો એક એક વ્યક્તિ સાથે બેસીને વાત કરે કે તેઓ કેમ અમેરિકા ગયા? ડિપોર્ટેશનમાં મિલીટરી એરક્રાફ્ટ હોય કે ચાર્ટર્ડ પ્લેન હોય, પ્રક્રિયા તો એ જ રહે છે. જ્યાં સુધી સંપત્તિનો સવાલ છે, તેમની કોઈ સંપત્તિ નહોતી. જો તેમની પાસે કશું હશે તો જોઈશું.