આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ : જાણો માતા શૈલપુત્રી સાથે જોડાયેલી પવિત્ર કથા વિશે
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી માતાના નોરતા ચાલું થાય છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રીના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે. માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે.
માતા શૈલપુત્રી કથા
પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે હિમાલયરાજને પુત્રીનો જન્મ થયો ત્યારે તેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું. તેમનું વાહન વૃષભ છે, તેથી તેમને વૃષરુદ્ધ પણ કહેવામાં આવે છે. માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. તેણીને સતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે માતા સતીનું બીજું સ્વરૂપ છે.
એકવાર પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે તમામ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે ભગવાન શિવે માતા સતીને કહ્યું કે બધા દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ મને નહીં, તેથી મારે ત્યાં જવું યોગ્ય નથી. માતા સતીની પ્રબળ વિનંતી જોઈને ભગવાન શંકરે તેમને યજ્ઞમાં જવાની મંજૂરી આપી. જ્યારે સતી ઘરે પહોંચી ત્યારે તેને માતા તરફથી જ સ્નેહ મળ્યો. તેમની બહેનોએ કટાક્ષ અને ઉપહાસ શરૂ કર્યો જે ભગવાન શંકર પ્રત્યે તિરસ્કાર દર્શાવે છે. દક્ષે તેમને અપમાનજનક શબ્દો પણ કહ્યા જેના કારણે માતા સતી ખૂબ ગુસ્સે થઈ ગયા. તે પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને યોગની અગ્નિમાં પોતાની જાતને બાળીને રાખ થઈ ગઈ. આ દુ:ખથી વ્યથિત થઈને ભગવાન શંકરે યજ્ઞનો નાશ કર્યો.
આગલા જન્મમાં માતા સતીનો જન્મ શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તે શૈલપુત્રી કહેવાતી હતી. તેણીને પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા અને તે ભગવાન શિવની પત્ની બની હતી, તેથી નવરાત્રિના પ્રથમ દિવસે, મા શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને તેમને ઘી અર્પણ કરવામાં આવે છે.