ગભરાયેલા ગ્રાહકોને ફરીથી આકર્ષવા મેકડોનાલ્ડ્સ $100 મિલિયન ખર્ચશે !! વાંચો શું છે આ મામલો
McDonald’s એક બર્ગર વેચે છે તેનું નામ છે- ક્વાર્ટર પાઉન્ડર. હવે બર્ગરમાં ડુંગળીનો ઉપયોગ તો થાય જ. જૈન-સ્વામીનારાયણ-વૈષ્ણવના નિયમો પાળતા ચુસ્ત લોકો સિવાય બધા ડુંગળી ખાતા હોય છે. થયું એવું કે મેકડોનાલ્ડના બર્ગરની આ ડુંગળીમાં એક ચોક્કસ બેક્ટેરિયા મળી આવ્યા. જેના કારણે ઉહાપોહ મચી ગયો. બર્ગરની ડુંગળીમાં જોવા મળેલા E. coli ને કારણે આઉટબ્રેક ફાટી નીકળ્યા બાદ ગ્રાહકોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે કંપની $100 મિલિયનનો ખર્ચ કરી રહી છે. આ યોજનામાં તે ફ્રેન્ચાઇઝીઓને મદદ કરવા માટે $65 મિલિયન ડોલરનો ખર્ચ કરશે.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ક્વાર્ટર પાઉન્ડર બર્ગરમાં કાપેલી ડુંગળીની અંદર E. coli બેક્ટેરિયાનેઆઉટબ્રેક ફાટી નીકળવાના સંભવિત કારણ તરીકે ઓળખી કાઢ્યું હતું. જેના કારણે 104 લોકો બીમાર પડ્યા અને 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જવાબમાં, મેકડોનાલ્ડના ડુંગળીના સપ્લાયર્સમાંથી એક, કેલિફોર્નિયામાં ટેલર ફાર્મ્સે, દૂષિત થઈ શકે તેવા ડુંગળીને કારણભૂત ગણાવી.
મેકડોનાલ્ડ્સને ફટકો
મેકડોનાલ્ડ્સના વ્યવસાય પર નકારાત્મક અસર પડી:
- જ્યારે સમસ્યાના મૂળ સુધી તપાસ કરવામાં આવી ત્યારે કેટલાક રાજ્યોમાં ક્વાર્ટર પાઉન્ડર્સને મેનુમાંથી અસ્થાયી રૂપે કાઢી નાખવામાં આવ્યા.
- સમસ્યાને ઉકેલવા માટે, મેકડોનાલ્ડ્સે 900 આઉટલેટ માટે એક નવો ડુંગળી સપ્લાયર શોધી કાઢ્યો અને તરત જ દેશભરમાં ક્વાર્ટર પાઉન્ડર્સ સર્વ કરવાનું ફરી શરૂ કર્યું.
- ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ નિવેદન બહાર પાડ્યું કે મેકડોનાલ્ડ્સની ફૂડ આઈટમ સેફ છે.
E.coli શું છે?
Escherichia coli (E. coli) એ મનુષ્ય અને પ્રાણીઓના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયાનો એક પ્રકાર છે. મોટાભાગના E. coli સ્ટ્રેન્સ હાનિકારક હોતા નથી, પરંતુ કેટલાક, જેમ કે E. coli O157, ગંભીર બીમારીનું કારણ બની શકે છે. બીમારીના લક્ષણોમાં પેટમાં ચૂંક ઉપડવી, અતિસારની તકલીફ કે ઉલટી-ઉબકા થવા. ગંભીર કિસ્સાઓમાં, ઇ. કોલી હેમોલિટીક યુરેમિક સિન્ડ્રોમ નામની સ્થિતિ તરફ દોરી શકે છે, જેમાં કિડની ફેઈલ થઇ જાય. કીડની બગડવાની શક્યતા નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ છે.
ઇ. કોલી ડુંગળી સુધી કઈ રીતે પહોંચ્યા?
E. coli નો ચેપ ત્યારે લાગે જ્યારે ડુંગળી અથવા લેટીસ જેવી કૃષિ પેદાશો પ્રાણીઓના મળના સંપર્કમાં આવે.
નજીકના એનિમલ ફાર્મ: જો એનિમલ ફાર્મ અથવા ડુક્કરનું ફાર્મ જ્યાં પાક ઉગાડવામાં આવે છે તેની નજીક હોય, તો મળ સિંચાઈના પાણીમાં પ્રવેશી શકે છે.
દૂષિત પાણી: આ પાણી ઈ. કોલીને પાકમાં ફેલાવી શકે છે, અને તે પાક અખાદ્ય બની જાય છે.
લેટસ અને ડુંગળી જેવી તાજી પેદાશો અસુરક્ષિત વધુ છે કારણ કે તે ઘણીવાર રાંધ્યા વિના કાચા સ્વરૂપમાં જ ખાવામાં આવે છે. મેકડોનાલ્ડ્સને આશા છે કે આ $100 મિલિયનનું રોકાણ ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે અને તેની અસરગ્રસ્ત ફ્રેન્ચાઇઝીઓના વેપારમાં ખાસ ફરક નહિ પડે. કંપનીએ સમારેલી ડુંગળી સાથે ક્વાર્ટર પાઉન્ડર્સનું વેચાણ ફરી શરૂ કર્યું છે, અને FDA એ ખાતરી આપી છે કે હવે બીમારી નહિ ફેલાય. આ ઘટના ખોરાકજન્ય બિમારીઓના ચાલુ જોખમો અને કડક ખાદ્ય સુરક્ષા પગલાંના મહત્વ પર પ્રકાશ પાડે છે. પણ ફાસ્ટ-ફૂડ જ તંદુરસ્તી માટે હાનીકારક છે એ બધાને ક્યારે સમજાશે?