મહર્ષિએ કૂ-રીવાજો, અંધ વિશ્વાસને દૂર કરવાનું બીડું ઝડપ્યું: રાષ્ટ્રપતિ
અંગ્રેજો-મુગલોએ દેશને નિર્ધન બનાવ્યું ત્યારે દયાનંદજીએ સ્વદેશીનો નારો આપ્યો હતો: રાજ્યપાલ
ટંકારા નગરપાલિકા બને તે માટે પ્રયાસો કરાશે: સીએમ
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિના ઉજવણી અંતર્ગત જ્ઞાન જ્યોતિ પર્વ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહ્યા. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટંકરામાં રાજકોટ હાઇ-વે પણ રૂ.૨૫૦ કરોડના ખર્ચે બનનારા જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. એમણે સભામાં આર્ય સમાજના અનુયાયીઓને સંબોધતા કહ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ પર આવવાનો મોકો મળ્યો, કાઠિયાવાડની ધરતીએ મહર્ષિ દયાનંદ જેવી અનેક વિભૂતિઓને જન્મ આપ્યો છે.
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી નિમિત્તે ત્રી-દિવસીય જ્ઞાન જ્યોતિ પર્વનું આર્ય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ કાર્યક્રમના સ્થળ કરસનજીના આંગણા ખાતે યજ્ઞશાળામાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહી ચાલતા યજ્ઞમાં આહુતિ આપી હતી અને મહર્ષિ દયાનંદજીના જીવન ચરિત્ર પર બનાવેલા પ્રદર્શનને નિહાળ્યું હતું. જ્યારે ટંકારામાં બનનારા જ્ઞાન જ્યોતિ તીર્થ મોડલ અંગે અને તીર્થમાં બનનારા સંશોધન કેન્દ્ર, શાળા. પુસ્તકાલય વિષે રાષ્ટ્રપતિને રાજ્યપાલે માહિતગાર કર્યા હતા.
રાષ્ટ્રપતિએ ટંકારામાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે ૧૫ એકરમાં બનનારા જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે એમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, ભારત ભૂમિ ધન્ય રહી છે. જેને દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિને પણ જન્મ આપ્યો છે. જ્ઞાન જ્યોતિ પર્વનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન આપતા કહ્યું હતું કે, દયાનંદ સરસ્વતીના વિચારો લાલા લાજપત રાય, લોક માન્ય તિલક સહિતના મહાપુરુષોએ પર પડ્યા છે. સત્યાર્થ પ્રકાશ નામના મહાન ગ્રંથનું પણ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું હતું. સત્યાર્થ પ્રકાશ નામના મહાન ગ્રંથના માધ્યમથી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા નમક કાનૂનનો વિરોધ કર્યો હતો. જેના પાંચ દશક બાદ મહાત્મા ગાંધીએ નમક કાનૂનનો વિરોધ કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતી સંસ્કૃતનો મહત્તમ ઉપયોગ કરતા હતા. લોકો સાથે જોડાવવા માટે તેમણે હિન્દીનો ઉપયોગ શરૂ કર્યો હતો. જન જન સુધી પહોંચવા માટે તેમણે હિન્દીમાં પણ લખવાનું શરૂ કર્યું હતું. મહર્ષિએ સમાજમાં ચાલતા અંધવિશ્વાસ-કુરીવાજો દૂર કરવાનું બીડું ઉઠાવ્યું હતું અને સમાજને સામાજીકતા, આધુનિકતાનો રસ્તો દેખાડ્યો હતો. આર્ય સમાજ દ્વારા આજે પણ સામાજિક ક્રાંતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને આજે પણ આગળ ધપાવવાનું કામ આર્ય સમાજ કરી રહ્યો છે.
જ્ઞાન જ્યોતિ પર્વમાં રાજ્યપાલે કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ અને આર્ય સમાજ સ્થાપનાથી જ રાષ્ટ્રવાદી સંસ્થા છે. જે સમયે મહિલાઓને ભણવાનો અધિકાર ન હતો, કુરીવાજો હતા તે સમયે આવા વિચારોને દૂર કરવાના પ્રયત્નો મહર્ષિએ કર્યા હતા. તમામ લોકોને સમરસતાનો સંદેશો આપ્યો. અંગ્રેજો, મુગલોએ ભારતને નિર્ધન બનાવ્યા હતા ત્યારે દયાનંદજીએ સ્વદેશીનો નારો આપ્યો હતો. આઝાદી સમયે ક્રાંતિકારીઓ પણ મહર્ષિથી પ્રેરિત હતા. વર્તમાન સમયમાં વડાપ્રધાને ભારતનું ગૌરવ-ગરીમાને વિશ્વમાં પહોંચાડવાનું કાર્ય કર્યું છે. એમણે ઉમેર્યું કે, ભારતનું અર્થતંત્ર પહેલા ૧૦માં સ્થાને હતું જે હાલમાં ૫માં સ્થાને પહોંચ્યું છે. ઉધ્યોગિક ક્રાંતિ થઈ છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મ જયંતી મહોત્સવના પવિત્ર પર્વ પર હાજર રહેવાનો મોકો મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્ઞાન પર્વનો શુભારંભ દિલ્હી થી કરાવ્યો હતો. વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાવતા સૌ કોઈ આ જ્ઞાન પર્વમાં જોડાઈ રહ્યા છે. ટંકારાની ભૂમિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની તેમજ મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભુમી છે. મહર્ષિએ પડકારોનો સામનો કરીને આશા જગાવી હતી, દેશભક્તિની ભાવના જગાવી હતી. તેમની સંસ્થાઓ લોક કલ્યાણનું કામ કરે છે. જ્યારે દેશના વડાપ્રધાન પણ લોક કલ્યાણકારી યોજનાઓ થકી લોક કલ્યાણ કરી રહ્યાં છે. મહર્ષિએ પ્રાચીન પરંપરાઓને પુન:જીવીત કરી હતી. આપણા પીએમ પણ દેશના સાંસ્કૃતિક ધરોહરોની પુન:સ્થાપના કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા ટંકારાને નગર પાલિકા બનાવવા માટેનું સૂચન કર્યું હતું. ટંકારામાં નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહેલી તકે ટંકારાને નગરપાલિકા મળે તે માટે કામગીરી કરવામાં આવશે. જ્યારે ટંકારામાં નવનિર્મિત ઓવર બ્રીજનું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ જ્ઞાન જ્યોતિ પર્વમાં મોટી સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ દેશના અનેક રાજયોમાંથી તેમજ વિદેશમાંથી પણ આવી પહોંચ્યા હતા.