મંદિર હોય કે દરગાહ રોડની વચ્ચે હોય તો હટાવવા જ પડે
સુપ્રીમ કોર્ટનું બુલડોઝર કાર્યવાહી અંગે મહત્ત્વનું ફરમાન: અમારો આદેશ બધા માટે હોય છે: હિન્દુ હોય કે મુસ્લિમ, કોઇપણ
ગેરકાયદે બાંધકામ કરી જ શકે છે
દેશમાં બુલડોઝર ઍક્શન પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ જો સડકની વચ્ચે હોય તો આવા ગેરકાયદેસર બાંધકામને હટાવવા જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર ઍક્શન વિરુદ્ધ કોર્ટે અરજીઓ પર સુનાવણી કરી હતી. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથને સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઇડલાઇન આપીએ છીએ. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ બધા માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઇન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય.
ખંડપીઠે ૧૭ સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે અમારી મંજૂરી વિના આરોપીઓ અને અન્ય લોકોની મિલકતો ૧ ઑક્ટોબર સુધી તોડવામાં આવશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ કેસ છે તો તે આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે. જો કે જાહેર સ્થળો પર થયેલા બાંધકામો માટે અમારો આ આદેશ લાગુ થતો નથી. અદાલતે વધુમાં એમ ઠરાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામો માટે એક કાયદો જરૂરી છે.
તે ધર્મ પર નિર્ભર ન હોવો જોઈએ. અરજદારોએ બુલડોઝર એક્શન સામે કરેલી અરજીઓ પર અદાલતે સુનાવણી દરમિયાન સખત ટિપ્પણી કરી હતી. દેશના અનેક રાજ્યોમાં જાહેર માર્ગો પર અને ક્યાંક સડકની વચ્ચે કેટલાક ધાર્મિક સહિતના દબાણો જોવા મળતા હોય છે અને તેને કારણે પણ જાહેર જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.