૨૨ જુલાઈએ સામાન્ય બજેટની સંભાવના
૩ જુલાઈએ આર્થિક સર્વે રજુ કરશે નાણામંત્રી નિર્મલા સીતારામન
કેન્દ્રીય બજેટ 2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 22 જુલાઈએ સંસદમાં રજૂ કરશે જયારે આર્થિક સર્વે 3 જુલાઈના રોજ જાહેર થવાની ધારણા તેમ એક ન્યૂઝ પોર્ટલે સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે. આ સુત્રોએ કહ્યું હતું કે, બજેટ સત્રના બીજા તબક્કામાં એટલે કે ૨૨ જુલાઈએ નાણામંત્રી બજેટ રજુ કરી શકે છે.
18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. સંસદ સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી જ્યારે રાજ્યસભાનું પ્રથમ સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. આ પછી સત્રનો બીજો તબક્કો શરુ થશે અને તેમાં બજેટ રજુ થશે.
અત્રે ઉલ્લેખ જરૂરી છે કે, લોકસભાની ચૂંટણીને લીધે ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રીએ લેખાનુદાન રજુ કર્યું હતું અને ત્યારે જ જાહેરાત કરી હતી કે સંપૂર્ણ બજેટ જુલાઈમાં રજુ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારામન હાલમાં નાણાકીય યોજનાઓ અને કામોમાં વ્યસ્ત થઇ ગયા છે. GST કાઉન્સિલની 53મી બેઠક 22 જૂને યોજાવા જઈ રહી છે, જેની અધ્યક્ષતા નાણામંત્રી કરશે. આ સિવાય પણ વિવિધ વિભાગોને બજેટ ફાળવણી અંગે પણ ચર્ચા કરી રહ્યા છે.