કોલકતાના પોલીસ કમિશનર અને બે આરોગ્ય અધિકારીઓની રવાનગી
અંતે જુનિયર તબીબો ની માગણી સામે મમતા ઝૂક્યા
દિલ્હીની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબિયત પરના દુષ્કર્મ અને હત્યા ની ઘટના બાદ ૩૮ દિવસથી આંદોલન ચલાવતા જુનિયર તબીબોની માગણીઓ સામે ઝૂકી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તા ના પોલીસ કમિશનર વિનીત ગોયલ તથા ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન અને ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીઝને તેમના પદો પરથી હટાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જુનિયર તબીબો એ સરકારના નિર્ણયને પોતાનો મોટો વિજય ગણાવ્યો હતો પણ સાથે જ જ્યાં સુધી સતાવાર રીતે બદલીના ઓર્ડર ન નીકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ઘોષણા કરી હતી.
મમતા બેનર્જી તરફથી જુનિયર તબીબોને મંગળવારે પાંચમી અને છેલ્લી વખત બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંતે સોમવારે સાત થી નવ વચ્ચે મમતા બેનરજીની ઉપસ્થિતિમાં એ બેઠક યોજાઈ હતી. તબીબો પોતાની સાથે સ્ટેનોગ્રાફર લાવ્યા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકની મિનિટ લખવામાં આવી હતી અને તેના ઉપર તબીબો અને સરકારી અધિકારીઓએ હસ્તાક્ષર કર્યા હતા.
બાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તબીબી ક્ષેત્રે માળખાગત સુવિધા માટે સો કરોડ રૂપિયાની ફાળવણી સહિત અમે જુનિયર ડોક્ટરોની 99 ટકા માગણીઓ સ્વીકારી લીધી છે કારણ કે એ તબીબો અમારા નાના ભાઈઓ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આરોગ્ય વિભાગના અધિકારીઓને અન્ય જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે એ અધિકારીઓને અપમાનિત નથી કરી રહ્યા. તેમણે કાંઈ ખોટું કર્યું નથી પરંતુ વિદ્યાર્થીઓ નું કહેવું છે કે તેમને એ અધિકારીઓ પર વિશ્વાસ નથી અને અમે એ સ્વીકારી લીધું છે.બીજી તરફ કોલકત્તાના પોલીસ કમિશનર વિનીત ગોયલે આ અગાઉ પણ પોતાનું રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી. જોકે મમતા બેનર્જી દુર્ગા પૂજા સુધી તેમને ચાલુ રાખવા માગતા હતા પણ હોસ્પિટલમાં બનેલા કેસમાં પુરાવાઓ સાથે ચેડા થયા હોવાની સંભાવના દર્શાવતી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તેમને એ પદ પરથી દૂર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે જુનિયર તબીબોના આંદોલનને કારણે કોલકત્તાની આરોગ્ય સેવાને ગંભીર અસર પડી હતી. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા મુજબ યોગ્ય અને સમયસર સારવાર ન મળવાને કારણે 28 લોકોના મૃત્યુ થયા હતા. હવે જો કે રાજ્ય સરકારે મોટાભાગની માગણીઓ સ્વીકાર્યા બાદ આંદોલન પૂર્ણ થવાની આશા જાગી છે.