ભાજપે ચાર કટ્ટર હિન્દુવાદી સાંસદોને પડતા મૂક્યા..જુઓ કોણ કોણ છે
ભાજપની રણનીતિમાં ફેરફારના નિર્દેશ: કટ્ટરવાદ નહીં પણ વિકસિત ભારતના મુદ્દાને પ્રાધાન્ય અપાશે
ભારતીય જનતા પક્ષે 14 રાજ્યના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ યાદી બહાર પાડી દેવાના પગલાંમાં ભાજપના આત્મવિશ્વાસનો પડઘો પડે છે. ઉમેદવારો જાહેર થઈ ગયેલી બેઠક ઉપર વહેલો પ્રચાર શરૂ કરી દેવાનો ભાજપને ફાયદો મળશે. પ્રથમ યાદીમાં ભાજપે તેના માટે પડકારરૂપ ગણાતા રાજ્યો એવા પશ્ચિમ બંગાળમાં 20, કેરાલામાં 12 અને તેલંગણામાં પણ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ભાજપે ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિ પરીબળો, સાંસદોનું પરફોર્મન્સ, તેમની લોકપ્રિયતા, પક્ષના અંતર પ્રવાહો અને સૌથી વધારે તો જીતી શકવાની સંભાવના ના પરિબળને મહત્વ આપ્યું છે. ભાજપે રાજકીય સ્થિતિસ્થાપકતાનો પરચો આપ્યો છે. એક તરફ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે તો બીજી તરફ ભાજપમાં મોટું માથું ગણાતા નેતાઓને પડતા મૂકવાની પણ હિંમત રાખવી છે.
મહત્વનું એ છે કે આ યાદી આગામી ચૂંટણી માટે ભાજપની રણનીતિના નિર્દેશ આપનારી બની રહી છે. ભાજપે તેના સૌથી વધુ કટ્ટરવાદી હિન્દુ ચેહરા ધરાવતા ચાર સાંસદોને પડતા મૂક્યા છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં આ વખતે કર્ણાટક સહિત દક્ષિણના રાજ્યો અને જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સિવાયના રાજ્યોમાં કટ્ટર હિન્દુવાદનું તત્વ નરમ રહેશે અને મોદીનો વિકસિત ભારત 2047 નો નારો કેન્દ્રસ્થાને રહેશે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ કટ્ટરવાદી નેતાઓને તેમનો બક્વાસ નડી ગયો
લોકસભાની ગત ચૂંટણી તેમજ ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના અનેક નેતાઓએ હિન્દુ મતોના ધ્રુવીકરણ માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. ‘ગોલી મારો સાલો કો..’ થી માંડીને પ્રચારમાં અલી,બજરંગબલી અને કબ્રસ્તાનો ગાજતા રહેતા હતા. જો કે જે તે સમયે એ બધું ભાજપની રણનીતિનો એ ભાગ હતો. પણ હવે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્ર સાથે ભાજપ હળવે હળવે કટ્ટરવાદ થી દૂર થઈ રહ્યો હોય તેવા સંદેશા સાથે ચાર સાંસદોને પડતા મૂકવામાં આવ્યા છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર:
2019 ની ચૂંટણીમાં ભોપાલની બેઠક ઉપરથી કોંગ્રેસના દિગજ નેતા દિગ્વિજયસિંહ ને 346822 મતની જંગી સરસાઈથી પરાજય આપી વિક્રમ સર્જનહાર તેમજ જાયન્ટ કિલર નું બિરૂદ મેળવનાર સાધ્વી પ્રજ્ઞાને આ વખતે પડતા મુકાયા છે. 2019 ની ચૂંટણી પહેલા સાધ્વી પ્રજ્ઞાએ મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા અશોક ચક્ર વિજેતા, મહારાષ્ટ્રના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના પૂર્વ વડા હેમંત કરકરે વિશે એલફેલ બકવસ કર્યો હતો. કરકરેની તુલના તેમણે રાવણ અને કંસ સાથે કરી હતી એટલું જ નહીં, પોતે આપેલા શ્રાપને કારણે હેમંત કરકરે આતંકવાદીઓની ગોળીઓથી નોંધાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. સંસદમાં તેમણે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને પ્રખર દેશભક્ત ગણાવ્યા હતા. તેમના એ નીવેદનની ભારે ટીકા થઈ હતી. ખુદ વડાપ્રધાન મોદીએ આ નિવેદન બદલ સાધ્વી પ્રજ્ઞાને માફ કરી શકાય નહીં એવો મત વ્યક્ત કર્યો હતો.
રમેશ બીધુરી:
દિલ્હીના આ સંસદનું પત્તું પણ કપાઈ ગયું છે. સંસદમાં ચંદ્રયાન 3 મિશનની ચર્ચા દરમિયાન તેમણે મુસ્લિમ સાંસદ દાનિશ અલી વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો.
સંસદના રેકોર્ડ ઉપરથી તેમની આ ટિપ્પણીઓ દૂર કરવામાં આવી હતી અને રક્ષા મંત્રી રાજનાથ સિંઘે ખેદ પ્રગટ કર્યો હતો.
પર્વેશ વર્મા:
પશ્ચિમ દિલ્હીની બેઠક ઉપર ભાજપે વર્તમાન સાંસદ પર્વેશ વર્મા ને પડતાં મૂકી કમલજીત સેહરાવત ને ટિકિટ આપી છે. બે ટર્મ સુધી સાંસદ રહેલા વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબ શ્રી વર્માના પુત્ર છે. તેમના મતવિસ્તારમાં તેમના મૂળિયા ખૂબ ઊંડા છે પણ ગત વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સભામાં તેમણે કરેલા કેટલાક નિવેદનો તેમને નડી ગયા. વર્માએ નામ લીધા વગર ચોક્કસ સમુદાયને ધમકી આપતી ભાષામાં ભાષણ કર્યું હતું અને એ સમુદાયનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. હજુ થોડા દિવસ પહેલાં જ તેમણે પોતાની સામે ચૂંટણી લડવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો હતો પરંતુ તેમનું પોતાનું જ પત્તું કપાઈ ગયું.
જયંત સિંહા:
ભૂતપૂર્વ મંત્રી અને હજારીબાગના સાંસદ જયંત સિંહાએ ઝારખંડમાં એક માંસના વેપારીની ટોળા દ્વારા કરાયેલી હત્યાના આરોપીઓને કાનૂની જંગ લડવા માટે આર્થિક સહાય કરી હતી. એ કેસના પાંચ આરોપીઓ જેલની બહાર આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરી તેઓ બધાને સીધા જ પોતાને બંગલે લઈ ગયા હતા.
બહુ બોલકા મીનાક્ષી લેખીને પડતાં મુકાયા
દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખીએ વિરોધ પક્ષના નેતાઓને સરેઆમ ઇડી,ઇન્કમટેક્સ અને સીબીઆઇ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની ધમકી આપી હતી. ભાજપ સામે આમ પણ કેન્દ્રીય એજન્સીઓનો દૂરઉપયોગ થતો હોવાની ફરિયાદ છે. તેવામાં મીનાક્ષી લેખી એ કરેલા બફાટને કારણે ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.
ભાજપમાં પણ વંશવાદ અને પક્ષપલટુઓની બોલબાલા
વડાપ્રધાન મોદી વિપક્ષના વંશવાદની ઝાટકણી કરતા રહે છે પણ ભાજપની પ્રથમ યાદીમાં જ બે વંશવાદી ચેહરા નજરે પડે છે. દિલ્હીની બેઠક ઉપર ભાજપે દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના પુત્રી બાંસુરી સ્વરાજને ટિકિટ આપી છે. એ જ રીતે બંગાળમાં સુવેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓનો પણ પ્રથમ યાદીમાં સમાવેશ થયો છે. ઉત્તર પ્રદેશમાં હજુ થોડા દિવસ પહેલા જ બીએસપી માંથી રાજીનામું આપનાર રિતેશ પાંડેને આંબેડકર નગર બેઠક ઉપર ટિકિટ મળી છે. એ જ રીતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કુંગીપ્રધાન કૃપાશંકર સિંહ ને જોનપુર ની બેઠક પર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઝારખંડના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગીતા કોડે એ પાંચ દિવસ પહેલા જ કોંગ્રેસ સાથે છેડો પાડી ભગવો ધારણ કર્યો હતો. તેમને પણ ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસમાંથી આવેલા જ્યોતિ મિર્ધાને નાગોર બેઠકની અને મહેન્દ્ર જીતસિંહ માલવીયને બાસવાડા ની બેઠક પર ટિકિટ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ઓબીસી કાર્ડ
ભાજપ 195 ઉમેદવારો ની યાદી જાહેર કરી તેમાંથી 102 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિ જનજાતિ અને ઓબીસી સમાજના છે. ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે 51 ઉમેદવારો જાહેર કર્યા તેમાંથી 33 અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી સમાજના છે. સવર્ણ સમાજમાં 10 બેઠકો પર બ્રાહ્મણ, સાત બેઠકો પર ઠાકોર અને એક બેઠક પર પારસી ઉમેદવાર નક્કી કરાયા છે. ઉત્તર પ્રદેશના કુલ 15 સાંસદો કેન્દ્રીય મંત્રી પદ ભોગવે છે તેમાંથી 10 મંત્રીને ટિકિટ આપવામાં આવી છે. યુપીમાં નો રીપીટ થિયરી તડકે મૂકી ભાજપ એ 51 માંથી 44 સંસદોને રીપીટ કર્યા છે. જોકે કેન્દ્રીય મંત્રી વી.કે સિંહની ગાઝિયાબાદની બેઠક અને અપના દિલના કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ ની મિરઝાપુર ની બેઠકોનો પ્રથમ યાદીમાં સમાવેશ નથી થયો. ભાજપે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ રૂપેન્દ્ર મિશ્રાના પુત્ર સાંકેતને પણ શ્રીવસ્તી બેઠક ઉપર ટિકિટ આપી છે.
તેલંગણામાં ઓપરેશન કમલમ
ભારત માટે સાચો પડકાર દક્ષિણ ભારતમાં છે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોની 129 બેઠકોમાંથી 2019 માં ભાજપને 29 બેઠક મળી હતી. તેમાં પણ 25 બેઠક એકલા કર્ણાટકે આપી હતી. તેલંગણામાં આશ્ચર્યજનક રીતે ભાજપનો ચાર બેઠક પર વિજય થયો હતો. કેરાલા, તમિલનાડુ અને આંધ્રમાં ભાજપને એક પણ બેઠક નહોતી મળી.જોકે આ વખતે કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસ સતાપર છે. કર્ણાટકમાં ગત વખતની 25 બેઠકો જાળવવાનું ભાજપ માટે મુશ્કેલ બનશે. તેલંગણામાં ભાજપ હજુ પા પા પગલી કરે છે. 2018 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર એક બેઠક મળી હતી. પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ચાર બેઠકો ઉપર વિજય થયો હતો. કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ સંજોગોમાં તેલંગણામાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં તેલંગણામાં કોંગ્રેસે 64 બેઠક ઉપર વિજય મેળવી સત્તાનું સુકાન સંભાળ્યું હતું. ભાજપનો આઠ બેઠક પર વિજય થયો હતો. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્રીય સમિતિ પણ 39 બેઠક પર સમય થઈ ગઈ હતી.
આ સંજોગોમાં ગત લોકસભાની ચાર બેઠકો જાળવી રાખવા ભાજપે તેલંગાણામાં ઓપરેશન કમલમ શરૂ કર્યું છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન જ બીઆરએસ ના બે સંસદો નાગારકુરનુલ અને બી.બી. પાટીલ ભાજપમાં જોડાઈ ગયા હતા. એ જ રીતે ભૂતપૂર્વ સાંસદ પોંડા વિશ્વેસર રેડીએ પણ બીઆરએસ સાથે છેડો ફાડી ભગવો ધારણ કર્યો હતો. ભાજપે પક્ષપલટો કરીને આવેલા આ ત્રણેય નેતાઓને ટિકિટ આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 4 અને 5 ના રોજ તેલંગણા ની મુલાકાતે આવવાના છે ત્યારે બીઆરએસ માંથી હજુ પણ વધુ વિકર્ણ કરશે તેવી ચર્ચા છે.
થીરુવાંથપુરમ ની બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ
કેરાલામાં ભાજપને અત્યાર સુધી એક પણ બેઠક નથી મળી પણ ભાજપે 12 બેઠકોના ઉમેદવાર જાહેર કરી આક્રમક વલણનો પરિચય આપ્યો છે. ભાજપે થીરુવંથપુરમની બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપતા એ બેઠક પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ છે. એ બેઠક પર કોંગ્રેસના નેતા શશી થરૂર સતત ચુંટાતા આવ્યા છે.આ સંજોગોમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો જંગ રસપ્રદ બની રહેશે.