‘તમે ગરીબ છો અને તને ઘરના કામ કરવા જ લાવ્યા છી’ કહી સાસરિયાનો પરિણીતાને ત્રાસ
નેહરૂનગરમાં અને કોઠારીયામાં રહેતી બે પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી
રાજકોટમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતી અને કોઠારીયા રોડ પર રહેતી બે પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારતા હોવાથી બંને પરિણીતાઓએ કંટાળીને મહિલા પોલીસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રથમ બનાવમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતી જસ્મીનબેન ઉર્ફે મહેકબેન (ઉ.વ 22) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નેહરૂનગરમાં આઝાદ ચોક પાસે શેરી નંબર-1 માં રહેતા પતિ અલ્તાફ યાસીનભાઈ આમદાણી, સાસુ મુમતાઝબેન, નણંદ શબાના, જેઠ અક્રમ માસાજી સસરા અબ્દુલભાઇ આમદાણી, માસીજી સાસુ નસીમબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન તારીખ 25/1/2024 ના અલ્તાફ સાથે થયા હતા અને છેલ્લા એક માસથી તે માવતરના ઘરે રિસામણે છે. લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાઓ નાની નાની વાતમાં બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. સાસુ કહેતા કે તને જમવાનું બનાવતા આવડતું નથી જ્યારે ઘરનું કામ કરે ત્યારે કહેતા તારી મા એ તને કંઈ શીખવ્યું નથી. નણંદ પણ અપશબ્દ બોલતી તેમજ પતિની ચડામણી કરતી તેમજ ક્યારેક હાથ પણ ઉપાડી લેતા હતા. જેઠ યાસીન અવારનવાર કહેતો હતો કે, ઘરના બધા કામ તારે જ કરવાના છે તને કામ કરવા માટે જ લઇ આવ્યા છીએ.જ્યારે પતિ કહેતો કે તમે ગરીબ છો તેમ કહી પરિણીતાને ત્રાસ આપતા હતા.જેથી તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી ફરિયાદ કોઠારીયા મેઇન રોડ પર પીરવાળી પાસે ધરમનગર-2 માં રહેતા રીંકુબેન (ઉ.વ 36) નામની પરિણીતાએ પતિ પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં તેણી જણાવ્યું હતું કે, તેના લગ્ન 15 વર્ષ પૂર્વે પૃથ્વીરાજસિંહ સાથે થયા હતા. જે લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા ત્રણેક મહિનાથી પતિ સામાન્ય બાબતમાં ઝઘડો કરતો હોય અને ઝાપટ પણ મારી દેતો હતો તેમજ ધક્કો મારી પછાડી પણ દીધી હતી. પતિએ લાફો મારતા કાનમાં અસહ્ય દુખાવો થતો હોય સારવાર કરાવતા કાનના પડદામાં તકલીફ થઈ હોય તેવું જણાય આવ્યું હતું જે અંગેની દવા પણ આપી હતી. ત્યારબાદ તા.7/1 ના સવારે પરિણીતા ઘરે હતી ત્યારે પતિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અંતે પરિણીતાએ પતિ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.