૬ મહિનામાં ૭૦૬૨ લોકોએ ૩૬ કરોડની રકમ ગુમાવી જેની સામે પરત આવ્યા માત્ર ૩.૭૯ કરોડ
ટાસ્ક પૂરા કરી વળતર મેળવવા, ન્યુડ કોલ, શેરબજારમાં રોકાણ સહિતના અનેક પ્રલોભનોથી છેતરાઈ રહ્યા છે લોકો એક વ્યક્તિએ ચાર મહિના સુધી કટકે કટકે ૨૬ લાખ ગુમાવ્યા પછી ભાન થયું કે તે છેતરાઈ છે !
રાજકોટમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. પોલીસ ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને સાયબર ક્રાઈમથી બચાવવા માટે અનેક પ્રકારના અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આમ છતાં તેની કોઈ જ અસર થતી હોય તેવું લાગી રહ્યું નથી. આ અંગેનો ચિતાર ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીના સાત મહિનામાં સાયબર ક્રાઈમને લગત ફરિયાદો પરથી મળી આવે છે. બીજી બાજુ સાયબર ક્રાઈમને કારણે રકમ ગુમાવ્યા બાદ તે પરત મળવાની શક્યતા માત્ર ૯% જ રહેતી હોવાનું રિકવર કરાયેલી રકમના આંકડા પરથી જાણવા મળી રહ્યું છે.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર કરવામાં આંકડા પ્રમાણે ૨૦૨૩ના ૧૨ મહિનામાં સાયબર ક્રાઈમ અંતર્ગત ૭૭૮૩ લોકોએ ૩૫ કરોડ જેટલી રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી હતી જેની સામે પોલીસ દ્વારા ૩ કરોડ ૪૪ લાખ ૨૨ હજાર ૫૧૦ રૂપિયા પરત અપાવાયા હતા. આ જ રીતે ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધીના છ જ મહિનામાં ૭૦૬૨ લોકોએ ૩૬ કરોડ રૂપિયા જેટલી રકમ ગુમાવી દીધી છે જેની સામે ૩ કરોડ ૭૯ લાખ ૪૭ હજાર ૧૦૫ રૂપિયા પરત અપાવી શકાયા છે. રિફંડ કરાયેલી રકમ પૈકીની પણ અમુક રકમ ફ્રિઝ હોવાથી તેને ટૂંક સમયમાં અનફ્રિઝ કરીને પીડિત વ્યક્તિને પરત કરાશે.
રાજકોટ સહિત દેશભરમાં અત્યારે ૨૮ પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે જેમાં ફેક આઈડેન્ટી, ઈન્વેસ્ટમેન્ટ (શેર માર્કેટ ફ્રોડ), ક્રેડિટ-ડેબિટ કાર્ટ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ન્યુડ વીડિયો કોલ, પેન્સીલ જોબ ફ્રોડ, સોશ્યલ મીડિયા ફ્રોડ, કેશબેક ફ્રોડ સહિતનો સમાવેશ થાય છે.
એવો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે કે એક વ્યક્તિએ ચાર મહિના સુધી કટકે કટકે ૨૬ લાખ ગુમાવી દીધા ત્યાં સુધી તેને ખબર પડી ન્હોતી કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે કેમ કે તેને ત્યાં સુધી એમ જ લાગી રહ્યું હતું કે તે જે પૈસાનું રોકાણ કરી રહી છે તેનું તેને વળતર મળી રહ્યું છે પરંતુ જેવું વળતર મળવાનું બંધ થયું કે તેને અહેસાસ થયો હતો કે તેની સાથે ફ્રોડ કરવામાં આવ્યો છે. એકંદરે આ પ્રકારની લાપરવાહી રકમ પરત કરાવવા માટે અત્યંત કપરી સાબિત થઈ રહી હોય લોકોએ તાત્કાલિક સભાન બનીને ૧૯૩૦ ઉપર ફરિયાદ નોંધાવવી જોઈએ.