મોબાઈલ ચોરના ભાઈ પાસેથી લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ પકડાયો
ત્રણ મહિના પહેલાં પકડ્યા બાદ વધુ પડતી હેરાનગતિ નહીં કરવા અને ચાર્જશીટ ઝડપથી રજૂ કરવાના બદલામાં ૧૦,૦૦૦ માંગ્યા’તા
રેલવે સ્ટેશનની અંદર તત્કાલ ટિકિટ કાઉન્ટર બહારથી જ રંગેહાથે દબોચી લેતું એસીબી
એક નહીં બલ્કે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા પોલીસ તંત્રમાં લાંચ લઈને કામ કરવાનું દૂષણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ખાસ કરીને ગુનેગારને પકડ્યા બાદ તેની સામે હળવા હાથે' કામ કરવાના બદલામાં પૈસા કટકટાવાઈ રહ્યાનું અગાઉ પણ બની ચૂક્યું છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. આવો જ એક કિસ્સો રેલવે સ્ટેશનમાં બન્યો હતો જ્યાં મોબાઈલ ચોરના ભાઈ પાસેથી ૧૦,૦૦૦ની લાંચ સ્વીકારતાં રેલવે પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ પકડાઈ ગયો હતો. જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી સહિતની ટીમે રેલવે કમ્પાઉન્ડની અંદર તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ વેલા ડાયાભાઈ મુંધવાને ૧૦,૦૦૦ની લાંચ લેતાં પકડ્યો હતો. વેલા મુંધવાએ ત્રણ મહિના પહેલાં એક મોબાઈલ ચોરને પકડ્યો હતો. આ કેસ કર્યા બાદ વેલાએ તસ્કરના ભાઈને હેરાન નહીં કરવા અને વહેલાસર ચાર્જશીટ રજૂ કરવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતાં ન હોય તેણે એસીબીને જાણ કરતાં રેલવે ટિકિટ કાઉન્ટર બહાર જ ટે્રપ ગોઠવીને વેલા ભરવાડને પકડી પાડવામાં આવતાં પોલીસ સ્ટાફમાં સોપો પડી જવા પામ્યો હતો. એસીબી દ્વારા થોડા દિવસ અગાઉ જ યુનિવર્સિટી પોલીસ મથકની અંદરથી માત્ર ૧૦૦૦ રૂપિયાની લાંચ લેતાં મહિલા પોલીસ કર્મીને પકડવામાં આવ્યા હતા ત્યાં પોલીસ તંત્રમાં જ વધુ એક
શિકાર’ કરતાં લાંચિયા કર્મીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
હેરાન નહીં કરીએ-ચાર્જશીટ ઝડપથી રજૂ કરશું: પોલીસ માટે `હાથવગું’ હથિયાર
કોઈ પણ ગુનેગારને પોલીસ દ્વારા પકડવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને મોબાઈલ, વાહનચોરી સહિતના ગુના હોય એટલે તેમાં પોલીસ માટે લાંચ માંગવી અને સ્વીકારવી સરળ બની જતી હોય છે. જો કે આ માટે તે હંમેશા એક હાથવગા હથિયારનો ઉપયોગ કરે છે અને આ હથિયાર હેરાન નહીં કરીએ, ચાર્જશીટ ઝડપથી રજૂ કરી દેવાનું હોય છે. આરોપી પણ લાંબી કડાકૂટમાં પડવા માંગતો ન હોય તે સરળતાથી લાંચ આપવા માટે તૈયાર થઈ જાય છે.
સોડ તાણવા એસીબીને કોનો હુકમ ?
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લાંચ લેતાં કોઈને પકડવામાં આવે એટલે તેની તસવીર જાહેર કરવામાં આવતી હતી પરંતુ પાછલા થોડા કિસ્સાઓમાં તસવીર પ્રસિદ્ધ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે એસીબીને આ પ્રકારે સોડ તાણવા માટે આખરે હુકમ કોણે કર્યો હશે તે વાત પ્રશ્ન પૂછી લેનારી છે. લાંચ લેતાં રંગેહાથે પકડાય એટલે તેને આરોપી ગણવો જ રહ્યો અને આ પ્રકારના ગુનામાં પકડાયા બાદ અન્ય આરોપીની જેમ તેની તસવીર પણ જાહેર કરવામાં આવે જ છે પરંતુ એસીબી દ્વારા નવી `સિસ્ટમ’ અમલમાં મુકવામાં આવી હોય તેવી રીતે લાંચ લેતાં પકડાયેલા લાંચિયાઓની તસવીર જાહેર કરવાનું અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.