મુંબઈ : ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી થતા 14નાં મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત
મુંબઈમાં ગઈકાલે બપોરે ધૂળની ડમરી ઉડી હતી જેના લીધે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. તોફાનના કારણે મુંબઈના ઘાટકોપરમાં 100 ફૂટ ઊંચું હોર્ડિંગ ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, હાલમાં 43 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 31 ઘાયલોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક ઘાયલની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
એક અધિકારીનું કહેવું છે કે સોમવારે સાંજે લગભગ 3.30 વાગ્યે જીમખાના પાસે આ અકસ્માત થયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોને તાત્કાલિક રાહત આપવા માટે સ્થળ પર મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન ક્રેન્સ અને ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ – દેવેન્દ્ર ફડણવીસ
Ghatkopar hoarding collapse incident | Maharashtra Deputy CM Devendra Fadnavis tweets, "A high-level inquiry has been ordered into the incident." https://t.co/HxamZmFmrZ pic.twitter.com/9TbAa5F47d
— ANI (@ANI) May 13, 2024
ઘાટકોપરમાં થયેલા અકસ્માત બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના મુલુંડ વિસ્તારમાં યોજાનારી તેમની ચૂંટણી રેલી રદ કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું બની હતી ઘટના ??
સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે મુંબઈમાં જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. ઘાટકોપરના એક પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઊંચો અને 250 ટન વજનનું લોખંડનું હોર્ડિંગ પડ્યું હતું. આ દરમિયાન કેટલીક કાર, ટુ-વ્હીલર અને રાહદારીઓ તેની સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 74 લોકો ઘાયલ થયા છે.
દુર્ઘટના બાદ તરત જ મુંબઈ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRFએ બચાવ કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં હોર્ડિંગ નીચે 100થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ હતા. ધીમે ધીમે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. આ પછી NDRF એ પણ ચાર્જ સંભાળ્યો. મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ અકસ્માતની જાણકારી લેવા સાંજે પહોંચ્યા હતા.
બે દિવસ સુધી હવામાન આવું જ રહી શકે છે : હવામાન વિભાગ
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી આવુ જ વાતાવરણ રહી શકે છે. પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પવનની ઝડપ 50-60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે.