ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણના કેટલાક અંશો સંસદના રેકોર્ડમાંથી હટાવી દેવાયા
સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતી વેળાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલું ભાષણ લાંબા સમય સુધી યાદ રહેશે. ૬૨ મિનિટના તેમના ભાષણમાં આક્રમકતા હતી, મુદ્દાઓ હતા, નાટ્યાત્મકતા હતી, વ્યંગ અને કટાક્ષ હતા અને તેમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. એમના વક્તવ્ય દરમિયાન લોકસભામાં સતત દેકારો થતો રહ્યો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત અને ગૃહ મંત્રી અમિત શાહે ચાર વખત ઉભા થઈને પ્રતિક્રિયા આપી. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિહ, કિરણ રીજજુ,શિવરાજ સિહ ચૌહાણ અને ધર્મેન્દ્ર યાદવ ઉપરાંત ભાજપના અન્ય સાંસદોએ પણ હસ્તક્ષેપ કર્યો. એકંદરે રાહુલ ગાંધી નવા રૂપમાં જોવા મળ્યા. ઘણા વર્ષે લોકસભાને મજબૂત વિપક્ષનો પરિચય થયો. ભાજપ બેક ફૂટ પર હોય તેવું ચિત્ર ઉપસ્યું. રાહુલ ગાંધીએ તેમની બાજુમાં જ બેઠેલા અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે ચાલુ ભાષણે હસ્તધૂનન કર્યું અને વિપક્ષની એકતાનો નિર્દેશ આપ્યો. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ આપેલા આ પ્રથમ ભાષણે લોકસભાનું આ અને આવનારા સત્રો બંને પક્ષ માટે બળાબળના પારખા સમાન બની રહેશે તેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
રાહુલ ગાંધીએ કરેલા આ ભાષણના દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓએ ભારે વિવાદ સર્જ્યો હતો. અને બાદમાં તેમના પાછળના કેટલાક અંશો લોકસભાના સત્તાવાર રેકોર્ડ પરથી હટાવી દેવાયા હતા.
રાહુલ ગાંધીના ભાષણનાઆ અંશો દૂર કરાયા
રાહુલે ભાજપ લઘુમતીઓને અન્યાય કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના ભાષણનો એ ભાગ દૂર કરાયો છે. અદાણી અને અંબાણી વિશે તેમણે કરેલી ટિપ્પણી પણ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી છે. નીટની પરીક્ષા માત્ર શ્રીમંત વર્ગ માટે જ છે અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનું તેમાં કોઈ સ્થાન નથી એવો તેમણે કરેલો આક્ષેપ પણ દૂર કરાયો છે. અગ્નિપથ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રેન ચાઈલ્ડ હોવાની તેમણે કરેલી ટિપ્પણી પણ લોકસભાના સત્તાવાર રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી છે.
હું સત્ય જ બોલ્યો છું, સત્યને ભૂંસી શકાતું નથી: રાહુલ
રાહુલ ગાંધીના ભાષણને કારણે જબરો વિવાદ થયો છે.તેમના ભાષણ દરમિયાન જ કેટલાક વાંધાજનક વિધાનો દૂર કરવાની ટે્રઝરી બેન્ચ તરફથી માંગણી થઈ હતી.બાદમાં તેમના ભાષણના કેટલાક અંશો દૂર કરી દેવાયા હતા.તે અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે પત્રકારો સાથેની વાતમાં કહ્યું, “મોદીજીની દુનિયામાં સત્યને હટાવી શકાય છે. પરંતુ વાસ્તવમાં, સત્યને ભૂંસી શકાતું નથી. મારે જે કહેવું હતું તે મેં કહ્યું, એ સત્ય છે. તેઓ ઇચ્છે તેટલું કાઢી નાખી શકે છે. સત્ય સત્ય છે.” બાદમાં ભાષણના અંશો કાઢી નાખવાના પગલાનો તેમણે સ્પીકરને પત્ર લખીને વિરોધ કર્યો હતો. પત્રમાં તેમણે લખ્યુ, “મારા ભાષણના નોંધપાત્ર ભાગને જે રીતે હટાવી દેવામાં આવ્યો છે તે જોઈ હું આઘાત અનુભવ છું મારી ટિપ્પણીઓને રેકોર્ડમાંથી કાઢી નાખવું એ સંસદીય લોકશાહીના સિદ્ધાંત વિરૂધ્ધનું છે.” તેમણે એ દૂર કરાયેલી ટિપ્પણીઓ પુનસ્થાપિત કરવા અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતી કરી હતી.
ખડકે ના ભાષણ ઉપર પણ કાતર ફરી વળી
રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આંકડા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ રાજ્ય સભામાં જ મોદીએ છાતી ઠોકીને કહ્યું હતું કે એક અકેલા સબ પર ભારી. હવે જુઓ કે તેમને કેટલા બધા લોકો ભારે પડી રહ્યા છે. તેમણે વિશેષમાં કહ્યું કે આટલો અહંકાર નકામો છે. “મોદીની સરકાર, મોદીની ગેરંટી મોદી હે તો મુમકીન હૈ..” એવા જ નારા લાગતા હતા. આટલો બધો ઘમંડ શું કામનો તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. લોકસભાની ચૂંટણી સમયે મોદીએ કરેલા ભાષણની યાદ અપાવી તેમણે કહ્યું, “એ લોકોને તેમની વોટબેંક સામે મુજરા કરવા હોય તો ભલે કરે..” બાદમાં તેમના ભાષણમાંથી સત્યનાશ, ઘમંડ અને મુજરા શબ્દોનો ઉલ્લેખ કરતા અંશો દૂર કરાયા હતા. ખડગેએ મોદી ગેરમાહિતી ફેલાવતા હોવાના અને સમાજને વિભાજિત કરતા હોવાના કરેલા આક્ષેપો પણ કાઢી નાખવામાં આવ્યા હતા.