વાહ રાજકોટ મનપા : વાયદો બગીચાનો કર્યો, બનાવ્યું કચરાગાડીનું પાર્કિંગ !!
- મવડી વિસ્તારની 11 સોસાયટીના લોકોનું ટોળું મહાપાલિકામાં દોડી આવ્યુંઃ તંત્રએ રાતોરાત પ્લોટનો હેતુફેર કરી નાખ્યો હતો
- જ્યાં કચરાગાડીનું પાર્કિંગ બનાવાયું છે ત્યાં શિવમંદિર છે સાથે સાથે મોટી સંખ્યામાં લોકો રહેતાં હોય દૂર્ગંધથી ત્રાસી ગયાની રાવ
એક બાજુ લોકોને બગીચા સહિતની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા મસમોટા વાયદા કરવામાં આવી રહ્યા છે પરંતુ સમય જતાં આ વાયદા હવામાં ઓગળી જાય છે અને ભોગવવાનું લોકોએ જ આવે છે. આવું જ કંઈક મવડી વિસ્તારમાં બનવા પામ્યું છે જ્યાં તંત્રએ થોડા સમય પહેલાં એક પ્લોટમાં બગીચો બનાવી આપવાનો વાયદો કર્યા બાદ તેનો હેતુફેર કરી હવે કચરાગાડીનું પાર્કિંગ બનાવી નાખતાં 11 સોસાયટીના લોકોનું ટોળું મહાપાલિકા કચેરીએ દોડી આવ્યું હતું.
મવડીના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટી, ઈસ્કોન હાઈટસ, ગીરીરાજ-3 એપાર્ટમેન્ટ, સહજાનંદ પાર્ક, અક્ષર એવન્યુ સહિતની 11 સોસાયટીએ મેયર, ડે.મ્યુ.કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે મવડી વિસ્તારમાં ટીપી સ્કીમ નં.26ના ફાઈનલ પ્લોટ નં.3ની આજુબાજુ રહેણાક મોટાપાયે વિકસિત થયો છે. આ પ્લોટને અગાઉ બગીચા હેતુ માટે અનામત રાખવામાં આવ્યો હતો અને અહીં બગીચાની તાતી જરૂરિયાત પણ છે. જો કે આ પ્લોટનો સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે હેતુફેર કરી નાખવામાં આવતાં હવે અહીં ટીપરવાન પાર્ક થવા લાગી છે. અહીં કુલ છ વોર્ડમાંથી કચરો એકઠો કરતી ટીપરવાન પાર્ક થાય છે જેના કારણે રહેણાક વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક અને ગંદકી સર્જાઈ રહી છે. આ પ્લોટની બાજુમાં શિવમંદિર પણ આવેલું છે તેથી પાર્કિંગને કારણે લોકોની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે.
આ પ્લોટમાં બગીચો બનાવવામાં આવે તો જ લોકોને ફાયદો થશે અન્યથા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ ઝળુંબી રહ્યાની ભીતિ લતાવાસીઓએ વ્યક્ત કરી હતી.