અમેરિકાની આ બાઇક અને વ્હિસ્કીના ભાવ ભારતમાં ઘટશે !! ટેરિફ ઘટાડ્યા બાદ ભારતને થઈ શકે છે ફાયદો, જાણો શું છે નવું અપડેટ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ટેરિફ વોરને લઈને સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. ભારત અને અમેરિકા વેપાર અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. આ બધા વચ્ચે, ભારત સરકાર અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો હેઠળ હાર્લી-ડેવિડસન મોટરસાયકલ, બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઇન પરની આયાત ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વાતચીત કરી રહ્યા છે. સરકારે અગાઉ હાર્લી-ડેવિડસન મોટરસાયકલ પરની આયાત ડ્યુટી 50% થી ઘટાડીને 40% કરી હતી. હવે ટેરિફમાં વધુ ઘટાડો કરવા માટે ચર્ચા ચાલી રહી છે, જેનાથી આ પ્રીમિયમ બાઇક બજારમાં વધુ સસ્તી બનશે.
તેવી જ રીતે, બોર્બોન વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવ્યો હતો, પરંતુ હવે વધુ એક ઘટાડો બંને દેશો વચ્ચે સુગમ વેપારને સરળ બનાવવા માટે અપેક્ષિત છે. કેલિફોર્નિયા વાઇન પર ટેરિફ ઘટાડવાની પણ ચર્ચા થઈ રહી છે જેથી તેને ભારતીય બજારમાં વધુ સારી પહોંચ મળી શકે.
ફાર્મા અને રસાયણોની નિકાસ પર ચર્ચા
બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો ફક્ત મોટરસાયકલ અને દારૂ સુધી મર્યાદિત નથી. અધિકારીઓ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને રસાયણોની યુએસ નિકાસ વધારવા અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. અમેરિકા ભારતના વિકસતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પોતાનો બજાર હિસ્સો વધારવા આતુર છે, જ્યારે ભારત અમેરિકામાં તેની નિકાસ માટે અનુકૂળ શરતો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતમાં ફાર્મા ઉત્પાદનોની આયાત
તાજેતરના વર્ષોમાં, અમેરિકાથી ભારતમાં ફાર્મા ઉત્પાદનોની આયાતમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-21માં આયાત 2,26,728.33 લાખ રૂપિયા રહી હતી. 2021-22માં, તે 78.8% વધીને 4,05,317.35લાખ રૂપિયા થયું. જોકે, 2022-23માં આયાત 27.5% ઘટી 2,93,642.57 લાખ રૂપિયા થઈ ગઈ. 2023માં ફરી વલણ બદલાયું, આયાત ૧૦.૮% વધીને રૂ. 3,25,500.17લાખ થઈ.
આ વસ્તુઓના ભાવ ઘટી શકે છે
જો પ્રસ્તાવિત ટેરિફ ઘટાડાનો અમલ કરવામાં આવે તો, હાર્લી-ડેવિડસન મોટરસાયકલો ભારતીય ખરીદદારો માટે વધુ સસ્તી બની શકે છે. બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઇન પર ઓછી ડ્યુટી પણ આ ઉત્પાદનોને ભારતીય દારૂ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવી શકે છે. ઉપરાંત, અમેરિકાથી દવાની આયાતમાં વધારો ભારતીય દવા ઉત્પાદકોને અસર કરી શકે છે, જેઓ વૈશ્વિક જેનેરિક દવા બજારમાં મુખ્ય ખેલાડીઓ છે.