ભાજપે મહાનગર-નગરપાલિકાના હોદેદારો જાહેર કર્યા : રાજકોટની 5 પૈકી 4 પાલિકામાં મહિલા પ્રમુખ
જુનાગઢના નવા મેયર બન્યાં ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા
ગાંધીનગર : તાજેતરમાં જૂનાગઢ મહાનગર પાલિકા અને રાજ્યની 68 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં કેસરિયા માહોલ છવાયા બાદ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ અને કારોબારી ચેરમેન સહિતના હોદેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી બુધવારે તમામ ભાજપ બહુમતીવાળી પાલિકાઓ અને જૂનાગઢ મહાનગર પાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત કરી છે. જો કે, અનેક નગરપાલિકામાં ભાજપની પ્રદેશ નેતાગીરીએ ધાર્યા બહારના નામો જાહેર કરતા સ્થાનિક નેતાગીરી પણ અચંબિત બની છે.
ભાજપની પ્રદેશ નેતાગિરીએ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરી છે. જયારે દ્વારકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોમલ ડાભી, ઉપપ્રમુખ તરીકે સંજય માણેક અને કારોબારી ચેરમેન તરીકે પરેશ જાખરીયાની પસંદગી કરવામાં આવી છે. ગઢડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરવામાં આવી છે. કોડીનાર નગરપાલિકામાં પ્રમુખ તરીકે આબીદાબહેન નકવી, ઉપપ્રમુખ તરીકે શીવાભાઈ હમીરભાઈ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની પસંદગી થઇ છે.
ચોરવાડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે બહેનાબહેન ચુડાસમા, માંગરોળ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ક્રિષ્ણાબહેન થાપલિયા, માણાવદર નગરપાલિકામાં પ્રમુખ તરીકે જીતુ પનારા, બાટવા નગરપાલિકામાં પ્રમુખ તરીકે સુનીલ જેઠવાણી, વિસાવદર નગરપાલિકામાં પ્રમુખ તરીકે રક્ષાબહેન મહેતા, વંથલી નગરપાલિકામાં પ્રમુખ તરીકે રાકેશ ત્રાંબડિયા, ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ભચાઉ નગરપાલિકામાં પ્રમુખ પદે પેથા રાઠોડ, થાન નગરપાલિકામાં પ્રમુખ પદે પ્રદ્યુમનસિંહ રાણા, રાપર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચાંદ ઠક્કર, વડનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મિકિતા શાહની પસંદગી કરવામાં આવી છે.સાથે જ મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ફોરમબેન રાવલ અને ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
રાજકોટની 5 પૈકી 4 પાલિકામાં મહિલા પ્રમુખ
તાજેતરમાં યોજાયેલ રાજ્યની 68 નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા અન્વયે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ ભાજપે હસ્તગત કર્યા બાદ બુધવારે પ્રમુખ અને ઉપ પ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ જિલ્લાની પાંચ પૈકી 4 પાલિકામાં મહિલા પ્રમુખની પસંદગી કરવામાં આવી છે. જે અન્વયે જેતપુર નગર પાલિકામાં મેનાબેન પુસ્તદિયા, ઉપલેટામાં વર્ષાબેન ગજેરા, ધોરાજીમાં સંગીતાબેન બારોટ, ભાયાવદરમાં રેખાબેન સોનાજીયા અને જસદણમાં જીતેન્દ્રભાઈ છાયાણીની પસંદગી કરવામાં આવી છે.