૭૫ લાખની ઉઘરાણીનો ૨૦%માં હવાલો લેનાર ભીસ્તીવાડ ગેંગ’ના ત્રણ પકડાયા
પોલીસ પર હુમલો કરનાર તેમજ વેપારીના અપહરણમાં સામેલ બે હજુ ફરાર
હવાલો આપનારને પકડવા ગયેલી પોલીસને
લોટરી’ લાગી હોય તેમ અપહરણ કરનારા પણ હાથમાં આવી ગયા !
૨૫ ફેબ્રુઆરીએ યુનિવર્સિટી રોડ પર દ્વારકાધીશ હોટેલ પાસેથી નંબર વગરની સ્કોર્પિયો કારમાં આનંદ ગીરધરભાઈ કણસાગરા નામના વેપારીનું અપહરણ કરી ઢોર માર મારનારા `ભીસ્તીવાડ ગેંગ’ના ત્રણ સહિત આ ગેંગને ઉઘરાણીનો હવાલો આપનાર શખ્સ સહિતને પોલીસે પકડી પાડ્યા હતા. આ ગેંગે ૭૫ લાખની ઉઘરાણીનો ૨૦%માં હવાલો લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આનંદ ગીરધરભાઈ કણસાગરા નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૧૮માં તેણે ઓરિસ્સાના ભૂબપ શહેરમાં સુમિત ભીમાણી, અમિત કાચા, હિરેન ગોરધનભાઈ ઠુમ્મર અને જીતેશ મહેતા સાથે મળીને એક ફેક્ટરી શરૂ કરી હતી જે લોકડાઉનને કારણે ૨૦૨૧માં બંધ કરી દેવામાં આવી હતી. આ પછી આનંદે પોતાનું રાજકોટનું મકાન અમિત કાચાને દસ્તાવેજ કરી આપી તેના ઉપર ૨૫ લાખની લોન લીધી હતી. ૨૦૨૨માં અમિત કાચા, હિરેન ગોરધનભાઈ ઠુમ્મર અને જીનેશ મહેતા ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા હતા. ૨૦૨૪માં ફરિયાદી આનંદ પણ ભાગીદારીમાંથી છૂટો થઈ જતાં ફેક્ટરી સુમિત ભીમાણીએ સંભાળી હતી અને તેણે અમિત, હિરેન અને જીનેશને પૈસા ચૂકવવાની જવાબદારી સ્વીકારી હતી.
જો કે આ અંગેની જાણ હિરેન અને અમિતને કરતા બન્નેએ આનંદને કહ્યું હતું કે ૫૦% રૂપિયાતો આપવા જ પડશે. ત્યારબાદ આનંદ અને અમિતે મળીને પોતાની ઉઘરાણીનો હવાલો જાહિર મહમ્મદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બશીરભાઈ શેખ, ઈશોભા રિઝવાન દલ, મીરખાન રહીશ દલ સહિતને આપતાં આ લોકોએ આનંદનું અપહરણ કરી રૂખડિયાપરામાં ઢોર બાંધવાના વાડામાં લઈ ગયા હતા અને ત્યાં આનંદને ઢોરમાર મારી પૈસા ચૂકવવાના છે તેવો વીડિયો પણ ઉતાર્યો હતો.
આ ફરિયાદ નોંધાતાં જ પોલીસે એ જ દિવસે અમિત કાચાને પકડી પાડ્યો હતો. જ્યારે હિરેન ઠુમ્મર અવધના ઢાળ પાસે હોવાની બાતમી મળતાં પીઆઈ એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જગમાલ ખટાણા સહિતના દોડી ગયા હતા. પોલીસ પહોંચી બરાબર ત્યારે જ એક બલેનો કાર આવી હતી જેમાં અપહરણ કરવામાં સામેલ જાહિર સંધવાણી, સમીર ઉર્ફે ધમો, નિઝામ ઉર્ફે મામો રહીમભાઈ સંધવાણી અને બે સગીર હિરેનને લેવા આવ્યા હોવાનું ધ્યાન પર આવતાં પોલીસે તમામને પકડી પાડ્યા હતા.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ અપહરણકાંડમાં ઈશોભા રિઝવાન દલ પણ સામેલ હતો જેણે અગાઉ પ્ર.નગર પોલીસ મથક ઉપર હુમલો કર્યો હતો. જો કે તે હાથમાં આવ્યો ન્હોતો જ્યારે અપહરણમાં સામેલ મીરખાન રહીશ દલ પણ પકડાયો ન હોય તેને દબોચવા તજવીજ ચાલી રહી છે.