માર્ચ મહિનાના પ્રથમ દિવસે ઝટકો : LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવી કિંમત
માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય જનતાને ઝટકો મળ્યો છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ આ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૮૦૩ રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 રૂપિયા હતી. જ્યારે જાન્યુઆરીમાં તે 1804 રૂપિયા હતી. 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.
ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે પહેલા જ LPG સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે બજેટના દિવસે જે રાહત મળી હતી તે હવે છીનવાઈ ગઇ છે. નવા ભાવ મુજબ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આજથી દિલ્હીથી કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
ટ્રેન્ડ અનુસાર ઓછો વધારો
જોકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાનો પ્રાઈઝ ટ્રેન્ડ જોવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષોમાં 1 માર્ચે થનાર આ સૌથી ઓછો વધારો છે. ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ વધારો 2023માં કરાયો હતો જ્યારે એક જ ઝાટકે પ્રતિ સિલિન્ડર 352 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.
બજેટના દિવસે સામાન્ય રાહત આપી હતી
ઉલ્લેખનીય છે કે બજેટના દિવસે એલપજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાની નજીવી રાહત અપાઈ હતી. ત્યારે પણ ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત અપાઈ હતી. જ્યારે રાંધણ ગેસ એટલે કે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી.