ઇન્દોર અને ઉદયપુરને ભારતના પ્રથમ ‘વેટલેન્ડ સિટી’નો દરજ્જો મળ્યો : વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા
નવીદિલ્હી : સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પાપે વેટલેન્ડમાં ઉતરોતર ઘડાટો થઇ રહ્યો છે ત્યારે વિશ્વમાં હાલમાં 31 શહેરોને જ વેટલેન્ડ સિટીનો દરજ્જો ધરાવે છે જેમાં તાજેતરમાં ઇન્દોર અને ઉદયપુરને ‘વેટલેન્ડ સિટી’ નો દરજ્જો આપવામાં આવ્યો છે.આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતના આ બન્ને પ્રથમ શહેર બન્યા છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક્સ ઉપર આ માહિતી આપી છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ગયા વર્ષે ભારતના ત્રણ શહેરો – ઇન્દોર (મધ્યપ્રદેશ), ભોપાલ (મધ્યપ્રદેશ) અને ઉદયપુર (રાજસ્થાન) – માંથી વેટલેન્ડ સિટી સર્ટિફિકેશન (WCA) માટે નામાંકન માટે મોકલ્યા હતા જેમાંથી ઇન્દોર અને ઉદયપુરને ‘વેટલેન્ડ સિટી’ નો દરજ્જો આ સિદ્ધિ બદલ બંને શહેરોને અભિનંદન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ટ્વિટ કરીને લખ્યું, કે આ સન્માન ટકાઉ વિકાસ અને પ્રકૃતિ અને શહેરી વિકાસ વચ્ચે સુમેળને પ્રોત્સાહન આપવા પ્રત્યેની અમારી મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
રામસર સંમેલન હેઠળ COP-12 પરિષદ દરમિયાન એવા શહેરો માટે બનાવવામાં આવ્યું હતું જે શહેરોમાં હાજર ભીનાશના રક્ષણ, સંરક્ષણ અને ટકાઉ સંચાલન માટે પ્રતિબદ્ધ છે. તેનો ઉદ્દેશ્ય શહેરી વિકાસ અને ઇકોલોજી વચ્ચે સંતુલન જાળવવાનો છે.વેટલેન્ડ્સ એવા ભેજવાળા વિસ્તારોનો ઉલ્લેખ કરે છે જ્યાં આખા વર્ષ દરમિયાન અથવા કેટલાક મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે છે. મેંગ્રોવ્સ, કળણ, પૂરના મેદાનો, તળાવો, નદીઓ, પાણી ભરાયેલા જંગલો, ડાંગરના ખેતરોએ બધા ભીના મેદાનોના ઉદાહરણો છે. દુનિયાના દરેક ખૂણામાં વેટલેન્ડ્સ જોવા મળે છે. દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ઉજવવામાં આવે છે.
જૈવવિવિધતા અને પાણી બચાવવા માટે વેટલેન્ડ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૃથ્વીની સપાટીનો 70% ભાગ પાણીથી ઢંકાયેલો હોવા છતાં, પીવા માટે માત્ર 2.7% તાજું પાણી ઉપલબ્ધ છે અને તેમાંથી મોટાભાગનું પાણી હિમનદીઓમાં સમાયેલું છે. માનવજાત માટે ઉપલબ્ધ મોટાભાગનું તાજું પાણી ભીના મેદાનોમાંથી આવે છે. ભીના મેદાનો વિના, વિશ્વભરમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સાથે જ વાતાવરણમાં હાજર કાર્બન શોષવામાં વેટલેન્ડ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ વૃક્ષો કરતાં વધુ કાર્બન સંગ્રહ કરી શકે છે. આ ઉપરાંત, તોફાની મોજાઓને રોકીને, તેઓ દર વર્ષે પૂરથી થતા નુકસાનને અટકાવે છે. વિશ્વભરમાં, મેન્ગ્રોવ્સ 15 મિલિયનથી વધુ લોકોનું રક્ષણ કરે છે અને દર વર્ષે પૂરથી થતા $65 બિલિયનના નુકસાનને અટકાવે છે.
દલદલ એટલે કે કાદવ-કીચડવાળી જમીન કુદરતી સ્પંજ તરીકે કામ કરે છે. જે વરસાદ દરમિયાન પાણીનો સંગ્રહ કરે છે અને ગરમી દરમિયાન ધીમે ધીમે પાણી છોડે છે, જે દુષ્કાળ જેવા સંકટ સમયે મદદ કરે છે. વેટલેન્ડ્સ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. માછીમારીથી લઈને કમળના બીજ અને ચોખાની ખેતી સુધી, ભીની જમીન ઘણી અર્થવ્યવસ્થાઓની કરોડરજ્જુ છે. પ્રવાસન ઉદ્યોગ પણ સીધો જળપ્લાવિત વિસ્તારો સાથે જોડાયેલો છે.રામસર સ્થળોના નિર્ધારણ અને રક્ષણ માટેની સંધિ પર 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના શહેર રામસરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર ભારતમાં ફેબ્રુઆરી 1982માં લાગુ કરવામાં આવ્યો હતો. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રામસર સ્થળોની સંખ્યા 89 પર પહોંચી ગઈ છે, જે એશિયામાં સૌથી વધુ અને યુકે અને મેક્સિકો પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતમાં સૌથી વધુ રામસર સ્થળો ધરાવતું રાજ્ય તમિલનાડુ છે જ્યા આવા 20 સ્થળો આવેલ છે.