મહાકુંભમાં નાસભાગ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર : હાઇકોર્ટમાં જવા આદેશ, ઘટનાને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ
મહાકુંભમાં નાસભાગ અને ભક્તોના મોત અંગેની જનહિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દેશના મુખ્ય ન્યાયાધીશએ આ ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો કોર્ટે કહ્યું કે, આ ઘટનાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કેસની સુનાવણી સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આ અંગેની અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાળ તિવારીએ દાખલ કરી હતી.
કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. સીજેઆઈએ કહ્યું, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે ચિંતાનો વિષય છે, પરંતુ હાઈકોર્ટમાં જાઓ. પહેલેથી જ એક ન્યાયિક પંચની રચના થઈ ચૂકી છે.’ અરજદારે કોર્ટને જણાવતા કહ્યું કે, નાસભાગની ઘટનાઓ રોજેરોજ બની રહી છે.
યુપી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને કહ્યું કે, હાલમાં આ ઘટનાની ન્યાયિક તપાસ ચાલી રહી છે. તેમજ હાઇકોર્ટમાં પણ આવી જ એક અરજી દાખલ કરવામાં આવી છે. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે અરજદારને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપીને અરજી ફગાવી દીધી હતી.
આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. અરજદારે કહ્યું કે, ‘રાજ્ય સરકાર મહાકુંભમાં નાસભાગની ઘટનાને રોકવામાં બેદરકારી દાખવી રહી છે.’ અરજદાર રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ ઘટનાને રોકવામાં યુપી વહીવટીતંત્રની લાપરવાહી, બેદરકારી અને નિષ્ફળતા હતી. જો કે અદાલત આ બારામાં કોર્ટ કઈ કહેવાય માંગતી નથી.