‘140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ’, જાણો પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું ??
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને રજુ કરેલા બજેટ અંગે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘બજેટ બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. જનતાના આ બજેટ માટે હું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે. પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મૂકાયો છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘પરમાણુ ઉર્જામાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું એ એક ઐતિહાસિક નિર્ણય છે. બજેટમાં રોજગારના તમામ ક્ષેત્રોને દરેક રીતે પ્રાથમિકતા આપવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી ભારતમાં મોટા જહાજોના નિર્માણને પ્રોત્સાહન મળશે. દરેક વ્યક્તિ જાણે છે કે જહાજ નિર્માણ એ ક્ષેત્ર છે જે મહત્તમ રોજગાર પૂરું પાડે છે. પ્રવાસન એ ક્ષેત્ર પણ છે જે મહત્તમ રોજગાર પ્રદાન કરે છે. આ ક્ષેત્ર, જે ચારે બાજુ રોજગારની તકો ઊભી કરશે, તે ઊર્જાના સ્ત્રોત તરીકે કામ કરશે. આજે દેશ આ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે.’
ખેડૂતો અને ટેક્સને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતો કૃષિ ક્ષેત્ર અને સમગ્ર ગ્રામીણ વ્યવસ્થામાં એક નવી ક્રાંતિનો આધાર બનશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાથી તેમને વધુ મદદ મળશે. આ બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્તિ આપવામાં આવી છે. તમામ આવક જૂથોના લોકો માટે કરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેનો મોટો ફાયદો આપણા મધ્યમ વર્ગને થશે, જે રોજગાર મેળવનારા લોકો માટે જેમની આવક નિશ્ચિત છે, આવા લોકોને તેનો ફાયદો થશે. આવકવેરામાંથી આ મુક્તિ એ લોકો માટે એક મોટી તક બનશે જેમણે નવી નોકરીઓ મેળવી છે. આ બજેટમાં ઉદ્યોગસાહસિકો અને MSMEને મજબૂત બનાવવા અને નવી નોકરીઓનું સર્જન કરવા માટે ઉત્પાદન પર 360 ડિગ્રી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે આ બજેટને ૧૪૦ કરોડની જનતાની આકાંક્ષાનું બજેટ ગણાવ્યુ હતું.