કિન્નર અખાડાનો મોટો નિર્ણય : મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા, વાંચો શા માટે કરવામાં આવી કાર્યવાહી
સાંસારિક જીવન છોડીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનવું પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી માટે ચાર દિન કી ચાંદની જેવું રહ્યું છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી પણ હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં એક નવા મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.
Rishi Ajay Das, founder of Kinnar Akhara, expels Mamta Kulkarni from the Akhara. He has also expelled Mahamandaleshwar Laxminarayan Tripathi from the Kinnar Akhara for inducting Mamta Kulkarni, who is accused of treason, to the Akhara and designating her as Mahamandaleshwar… pic.twitter.com/Hhzezst49r
— ANI (@ANI) January 31, 2025
ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સન્યાસની જાહેરાત કરી હતી. મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળ્યા હતા. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ ‘શ્રી યમાઈ મમતા નંદ ગિરિ’ આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, મારા ભારત છોડવાનું કારણ આધ્યાત્મિકતા હતી. ૧૯૯૬ માં, હું આધ્યાત્મિકતા તરફ ઝુકી અને તે દરમિયાન હું ગુરુ ગગન ગિરિ મહારાજને મળી. તેમની પાસે હું ઘણું શીખી અને આધ્યાત્મિકતામાં મારો રસ વધ્યો અને મારી તપસ્યા શરૂ થઈ. જોકે, હું માનું છું કે બોલિવૂડે મને ખ્યાતિ આપી. મેં બોલીવુડ છોડી દીધું અને ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી તપસ્યા ચાલુ રાખી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં ઘણા વર્ષો દુબઈમાં વિતાવ્યા, જ્યાં હું બે બેડરૂમવાળા ફ્લેટમાં રહેતી હતી અને આ 12 વર્ષ દરમિયાન, મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું. મમતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ વર્ષ 2002 માં આવી હતી. આ પછી તેણે મનોરંજનની દુનિયા છોડી દીધી.
મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સંતો સતત વિરોધ કરી રહ્યા હતા. જે બાદ આજે તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.