પ્રાઇમરી માર્કેટનો તેજીનો ઊભરો શાંત
એસ.એમ.ઈ હોયકે મેઇન બોર્ડ આઈ.પી.ઓ ના નબળા લિસ્ટિંગ થઈ રહ્યા છે
આઇ.પી.ઓ ભરવામાં પહેલા જેવું વળતર હાલ મળી નથી રહ્યું
ઘણા લાંબા સમયથી પ્રાઇમરી માર્કેટમાં તેજી ચાલી રહી હતી પરંતુ છેલ્લા એકાદ બે મહિનાથી આ તેજીનો તબક્કો પૂરો થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઉભરો શાંત થઈ રહ્યો હોય તેવું લાગે છે. અનેક આઈ.પી.ઓ ના લિસ્ટિંગ 100 ટકાથી વધુ પ્રીમિયમ થી થયા છે. જેને લઈને પ્રાઇમરી માર્કેટમાં સતત ભરણા ઓ વધતા જતા હતા. લોકોના માનસ પર એવી છાપ હતી કે આઈ.પી.ઓ માં સરળતાથી પૈસા ડબલ થઈ રહ્યા છે
ટૂંકમાં એક-કા-દો ની હાલત હતી હવે, દિવસે દિવસે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. એક બાજુ ભરણા વધી રહ્યા છે, તો બીજી બાજુ લીસ્ટીંગ માં પણ ખાસ કોઈ પ્રીમિયમ જોવા મળી રહ્યું નથી. અનેક ધંધાર્થીઓ પોતાના મુખ્ય ધંધાઓ-વેપાર છોડીને આઇ.પી.ઓ એપ્લિકેશન કરવા લાગ્યા છે. લાખો કરોડો રૂપિયાનું રોકાણ ફક્ત આઇ.પી.ઓ ભરવામાં કરી રહ્યા છે. અનેક લોકોએ આઇપીઓ ભરવાને મુખ્ય ધંધા તરીકે વ્યવસાય માં અપનાવી લીધો છે. હવે પરિસ્થિતિ એવી છે કે ભરણા ઓ અનેક ગણા થઈ રહ્યા છે,પરંતુ લિસ્ટિંગ નબળા થઈ રહ્યા છે. કારણકે શેરબજારમાં થોડા સમયથી મંદીનો દોર ચાલુ છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ નેટ વેચવાલ જ રહે છે. કંપનીઓના પરિણામ પણ નબળા આવી રહ્યા છે. જેને લીધે શેર બજારમાં મંદી ચાલી રહી છે.
શેરબજારના નિષ્ણાત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર પ્રાયમરી માર્કેટમાં હજુ એકાદ મહિનો મંદીનો જ રહેશે. કોઈ મોટો સારો આઇ.પી.ઓ પ્રીમિયમ થી લિસ્ટિંગ થશે અને શેરબજાર ની સેકન્ડરી માર્કેટની પરિસ્થિતિ સુધરશે ત્યાર પછી જ પ્રાઇમરી માર્કેટમાં તેજીની શકયતા છે. કંપનીઓ જે આઇ.પી.ઓ લઈને આવી રહી છે તે પણ ઘણા ઊંચા પ્રીમિયમથી આઇ.પી.ઓ લાવી રહી હોય.રોકાણકારો માટે ખાસ કંઈ બચતુ નથી. આ તો તેજી હતી એટલા દિવસ બધું ચાલતું હતું પણ હવે જે કંપનીઓ આઇ.પી.ઓ લાવશે તેણે ફેર વેલ્યુ પ્રમાણે એટલે કે વ્યાજબી પ્રીમિયમ થી જ આઇ.પી.ઓ લાવવો પડશે અને રોકાણકારોને લિસ્ટિંગ પછી પ્રોફિટ થાય તેવા ભાવે જ આઇ.પી.ઓ લાવો પડશે.
અન્યથા આઇ.પી.ઓના લિસ્ટિંગ નબળા થશે અને ધીમે ધીમે પ્રાઇમરી માર્કેટની એક્ટિવિટી માં ઘટાડો જોવા મળશે.આઇ.પી.ઓના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જેને લઈને પણ બજારમાં લીસ્ટીંગ પર અસર થાય છે.
આઇ.પી.ઓ ની સંખ્યા વધવાનુ એક કારણ પણ લિસ્ટિંગ નબળા કહી શકાય. જો આવનારા સમયમાં કવોલીટી આઇ.પી.ઓ વ્યાજબી પ્રીમિયમ થી શેરબજાર માં આવશે તો ચોક્કસ પણે પ્રાઇમરી માર્કેટમાં તેજી રંગ આવશે.