બે યુવાહૈયાનાં દર્દની દાસ્તાન: બાલાશ્રમમાં બાળપણ વીત્યું’ને હવે સાત ફેરા ફરી સપનાનું કરશે વાવેતર
રાજકોટની સોશ્યલ વર્કર શીતલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેશનું નાનપણ માતા-પિતા વિના કોરુંધાકોડ રહ્યું,કાઠિયાવાડ બાલાશ્રમ બન્યું સહારો:અખબાર નાંખ્યા,વેઈટરની નોકરી કરી, સંઘર્ષના અનેક પડાવમાંથી પસાર થઈ સમાજમાં ઓળખ બનાવનાર આ યુગલની પ્રેરણાત્મક સ્ટોરી
માતા-પિતાના પ્રેમ વિનાનું કોરુંધાકોડ બાળપણ સંઘર્ષ સાથે સમય કરતા વહેલું મોટું થઈ જાય છે,જ્યારે વેદના પર સંવેદના અને સ્નેહનું બીજ રોપાય ત્યારે સપનાનું વાવેતર થાય છે,આજે “વોઇસ ઓફ ડે”માં એવાં બે યુવા હૈયા શીતલ અને મહેશનાં દર્દ-એ-દિલની દાસ્તાન રજૂ કરી છે,જેઓની જિંદગીની સફર બાલાશ્રમથી શરૂ કરી હવે ગૃહસ્થાશ્રમ સુધી પહોંચશે,રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં બંનેનું બાળપણ વીત્યું,કારકિર્દી માટે સંઘર્ષ કર્યો ને હવે તા.26 જાન્યુઆરીએ બંને સાત ફેરા ફરીને જીવનસાથી બની પ્રેમની મધુરાશ સાથે પોતાનો પરિવાર બનાવશે.
જેઓ બાળપણથી જ પરિવારની ઝંખના રાખતાં શીતલ અને મહેશની હૃદયસ્પર્શી સ્ટોરી છે,વાસ્તવમાં આ વાત શીતલ અને તેના ભાવિ ભરથારની છે પણ અન્ય 4 જિંદગીનો સંઘર્ષ પણ વણાયેલો છે,જેમાં શીતલનો ભાઈ વિવેક અને રાજકોટ પોલીસમાં આમર્ડ પોલીસમાં ફરજ બજાવતાં મહેશ છાંટબાર અને તેમની 3 બહેનો કે જેમને નાનપણમાં જ આવેલી પરિસ્થિતિમાંથી પસાર થઈ આ માસુમ ફૂલ કાંટા વચ્ચે ખીલેલા ગુલાબની જેમ ખીલ્યા છે. શીતલ અને વિવેક જસદણ નજીકના એક ગામડામાં જન્મ્યા છે, આ બંને ભાઈ બેન હજુ માંડ પા..પા પગલી ભરતા શીખ્યા ત્યાં તો પતિ અને બે માસૂમને છોડી “પોતાનું” વિચારીને જનેતા ચાલી ગઈ ને પાછળથી પત્નીએ આપેલી આ પીડાથી પતિની મનોસ્થિતિ એટલી હદે કથળી ગઈ કે આ ભૂલકાંઓ કોના સહારે જીવે..થોડો સમય દાદા અને દાદીએ ધ્યાન રાખ્યું પણ તેમના ગયા બાદ સગાંઓ જ બાળકોને “વહાલાં”બનાવવાને બદલે રાજકોટ કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે છોડીને જતા રહ્યા….!!
મહેશ પણ 3 વર્ષનો હતો ત્યારે આવી જ આંધી તેના અને બહેનોના જીવનમાં આવી,પરિવારના ડખામાં પિતા પણ અધવચ્ચેથી ચાલ્યા ગયા બાદ તેને મમ્મીએ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું, ત્યારે તેની મોટી બહેન જે પણ બાળક જ હતી તેમ છતાં પોતાના ભાઈ અને બહેનનું ધ્યાન રાખવા અને પેટ ભરવા માટે તેને કેટર્સમાં નોકરી કરી હતી, આ સમયે રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારીની નજર આ ભાઈ બહેનો પર છતાં તેમને ચારે બાળકોને રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમ પર આશ્રય અપાવ્યો હતો.
બસ,ત્યારથી જ આ બાળકો માટે ઘર-પરિવાર બધું જ ” કાઠીયાવાડ બાલાશ્રમ” બની ગયું,જ્યાં ટ્રસ્ટીઓ વડીલો અને ગૃહમાતાએ માતા બની આ બાળકોને મોટા કર્યા, સંસ્થાએ ભણાવ્યા અને આજે શીતલ,મહેશ અને વિવેકએ દરેક પરિસ્થિતિમાંથી પસાર થઈને આજે ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના પગ પર ઊભાં થયા ને સમાજમાં એક અલગ પહેચાન બનાવી હવે પોતાનો “પરિવાર” બનાવવાં જઇ રહ્યા છે.જ્યારે વિવેક અત્યારે ખાનગી બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે અને સાથે સાથે એમબીએ નો અભ્યાસ પણ કરી રહ્યો છે. જ્યારે મહેશએ પણ યુપીએસસી ની તૈયારી શરૂ કરી છે.
આ દરમિયાન તેમને જીવનના અનેક પડકારભર્યા પાસામાંથી પસાર થવું પડ્યું હતું.જે અંગે “વોઇસ ઓફ ડે”સમક્ષ દિલ ખોલીને વાત કરી હતી. શીતલ જસાણી સ્કૂલમાંથી અભ્યાસ કરીને રાજકોટની ભાલોડીયા અને કંસાગરા કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમ એસ ડબલ્યુની ડીગ્રી મેળવ્યા પછી ગ્રુપ કાઠીયાવાડ બાલાશ્રમમાં જ તેને ગૃહમાતા તરીકે જોબ કરી હતી, સરકાર ના નિયમો અનુસાર અમુક વર્ષો બાદ જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે તેમને પોતાની રીતે વ્યવસ્થા કરવાની થતી હોય છે આ સમય દરમિયાન કોરોના આવતાં શીતલ અને તેના ભાઈ વિવેક માટે કપરો સમય ઊભો થયો હતો. જેમાંથી પસાર થવા માટે વિવેકએ રાજકોટના મોલ્સમાં નોકરી કરી,આ સમયે બંને ભાઈ બહેનએ અલગ થવું પડયુ હતું.
મહેશની લાઈફ પણ અનેક ચેલેન્જમાંથી પસાર થઈ ગઈ છે, શરૂઆતમાં અભ્યાસ માટે મન લાગતું ન હતું આથી, આઇઆઇટીના અભ્યાસ સાથે છાપા નાખવાનું અને બિલ્ડીંગો બનતી ત્યાં મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરતો હતો, જ્યારે બીજી સ્કૂલમાં છાપા નાખવા જતો ત્યારે બીજા બાળકો ને તેના માતા-પિતા સ્કૂલે મૂકવા આવતા.. દ્રશ્ય જોઈને તેને થયું કે જો હું હજુ અભ્યાસ નહીં કરું તો સારી નોકરી નહીં મેળવી શકો અને મારું ભવિષ્ય ખરડાયેલું જ રહેશે અને બાળપણ તો માતા-પિતા વિના પસાર થઈ ગયું હવે સમાજમાં માન સન્માન માટે પણ ભણવું પડશે.આ વિચાર સાથે સુરતમાં રહેતા મોટા બેન અને જીજાજી ને ત્યાં જતો રહ્યો, જ્યાં સુરતમાં શરૂઆતમાં હીરા ઘસવાના કામ સાથે ફરીથી ભણવાનું શરૂ કર્યું, ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા બાદ બીકોમ કર્યું અને પોલીસની ભરતી માટેની તૈયારીઓ શરૂ કરી હતી. સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો જેથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી શકાય…. પોલીસની ભરતીની પરીક્ષા પાસ કરીને હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે સીલેક્શન થતાં હાલમાં રાજકોટ પોલીસમાં ઘંટેશ્વર ખાતે તેમનું પોસ્ટિંગ છે.
સરકારી નોકરી અને ઘરનું ઘર પણ બની ગયુ હવે જીવનસાથી થકી પોતાનો પરિવાર બની જાય,આ કામ પણ સંસ્થાના મોભી સી.એમ. પટેલ એ પાર પાડી દીધું, બંને બાળકો તેમની નજર સામે જ મોટા થયા હતા તેમના સંસ્કાર અને સ્વભાવ તેઓ જાણતા હતા આથી અન્ય કોઈ વ્યક્તિ જીવનસાથી બને તેના કરતાં બંને એક જ કસ્તીમાંથી પસાર થયા હોવાથી એકબીજાના દુઃખને સારી રીતે સમજી શકે અને સુખી સંસાર નો માળો બનાવી શકે એવી ભાવના સાથે બંનેને ઓળખાણ કરાવી અને પરિવારના અન્ય વડીલોને મળી તેમની મંજૂરીથી બંનેનું સગપણ નક્કી થયું અને જીવનસાથી બનશે.
એકબીજાના દર્દને સમજી શકીએ છીએ,સાથે મળીને સંજોગો સામે લડીશું:શીતલ-મહેશ
શીતલ અને મહેશ બંને જ્યારે લગ્નગ્રંથિ જોડાવા જઈ રહ્યા છે તે પૂર્વે દોઢ વર્ષ સુધી બંને એકબીજાના સ્વભાવને સમજવા માટેની કોશિશ કરી હતી, શીતલ કહે છે કે મારા પર મારા પપ્પા અને ભાઈની જવાબદારી છે. પપ્પાની તબિયત હવે ધીમે ધીમે ઠીક થઈ રહી છે પરંતુ તેમનું માનસિક સંતુલન ક્યારે બગડી જાય તે નક્કી હોતું નથી આથી હું જ્યારે મહેશને પ્રથમ વખત મળી ત્યારે મારા પપ્પાની હાલત તેમને સૌપ્રથમ બતાવી હતી, સામાન્ય સંજોગોમાં કોઈ બીજું હોય તો સગપણ માટે ના પાડે પણ ત્યારે મહેશએ એટલું જ કહ્યું કે તારા પપ્પા એ મારા પણ પપ્પા છે, આપણે બધા સાથે મળીને તેમને સાજા કરીશું.. અને વિવેક જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી આપણે તેમનો સાથ આપીશું.. તમે આ વાત મને સ્પર્શી ગઈ અને મેં લગ્ન માટે હા પાડી.
જે ખુરશી પરથી ઉભો કર્યો ત્યાં બેસાડવા હવે લોકો વિનંતી કરે છે
માતા-પિતા વગરના બાળકોને હંમેશા સમાજ લાચાર અને બિચારા સમજે છે, આ સ્થિતિમાં ક્યાંયથી માન પણ મળતું નથી જ્યારે નાના હતા ત્યારે કોઈ પ્રસંગમાં જતા ત્યારે અમુક સ્વજનો જ્યાં ખુરશી પર બેઠા હોય ત્યાંથી ઊભા કરીને ધુતકારતા, ત્યારે મનમાં ખૂબ લાગી આવતું, આજે ભણી ગણીને નોકરી મેળવીને આત્મનિર્ભર બન્યો છું સમાજમાં હવે કંઈક સ્થાન મળ્યું ત્યારે આ જ લોકો ખુરશી પર બેસાડી માન આપે છે.
સપનાના વાવેતર સાથે અમારા જેવા બાળકો માટે સાથે મળીને કામ કરીશું
અમારું બાળપણ અમે માતાપિતા વિના માણી શક્યાં નથી,અત્યારે અમારી મહેનત અને કાઠીયાવાડ બાલાશ્રમના સહયોગથી અમારા સપનાનું વાવેતર થયું છે,હવે અમારા જેવા અને ગરીબો બાળકો માટે કામ શરૂ કરયુ છે,શીતલ અને મહેશ બંને પોતાની આવકમાંથી બચત કરી સેવાભાવી તક્ષ મિશ્રાના એન.જી.ઓ.માં સેવા આપે છે અને બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.
પ્લીઝ..આપઘાત ન કરો,માતા-પિતાનું અસ્તિત્વ છીનવાઈ જાય છે
આ મુલાકાત દરમિયાન શીતલ અને મહેશે આજની યુવા પેઢીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી માતા-પિતાના પ્રેમથી દૂર રહ્યા છીએ. માતા પિતા એક બાળકની ઓળખ છે તો બાળક માતા-પિતાનો અસ્તિત્વ છે નાની નાની વાતમાં અત્યારે યુવાનો આપઘાત કરી લે છે તે ખૂબ જ દુઃખદ છે. પ્લીઝ આવું ન કરો… એક વખત માતા-પિતા વિનાના બાળકોને મળો તો તમને અંદાજ આવશે કે તમારું દુઃખ કંઈ જ નથી.. થોડી સહનશક્તિ રાખો, તમારા આવા પગલા પાછળ માતા પિતાની દુનિયા તો ઠીક તેમનું અસ્તિત્વ પણ છીનવાઈ જાય છે.