આજે દીવ મુક્તિ દિવસ : પ્રવાસીઓનું ફેવરિટ સ્થળ દીવ વિદેશીઓના શાસનમાંથી કેવી રીતે થયું હતું મુક્ત ? વાંચો
દરિયાના ઘૂંઘટમાં રક્ષાયેલું, નિર્મળ સોનેરી સમુદ્ર, તાડના વૃક્ષોના ઝૂંડ અને સૂર્ય પ્રકાશથી ચળકતી રેતી, સમુદ્ર ફીણથી ભીંજાયેલો સાગર તટ અને કુદરતનું અનુપમ સૌંદર્ય જેને પોતાનામાં સમેટ્યું છે તેવું દીવ ૧૯ ડિસેમ્બરે વિદેશી શાસનમાંથી મુક્ત થઈ ભારતનો ભાગ બન્યો અને એ દિવસ દીવ મુક્તિ દિવસ તરીકે મનાવાય છે.
ઈ.સ.૧૯૪૭માં ભારત આઝાદ બન્યું અને ગોવા-દમણ-દીવ ભારતમાં જોડાઈ જવા ઉત્સુક બન્યા અને આ સંઘર્ષ ૧૯૫૩માં પરાકાષ્ટાએ પહોંચ્યો અને તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તા.૨૫-૮-૫૪ના રોજ લોકસભામાં દીવ-દમણ અને ગોવાના દેશપ્રેમીઓને માતૃભૂમિમાં જોડાઈ જવા ઉદ્ઘોષણા કરી જે આગળ વધતા જેનું સુકાન ભારતીય સૈન્યના બ્રિગેડિયર જશવંતસિંહની આગેવાની નીચે દીવ મુક્તિ અભિયાન મંડાયું હતું.
સોરઠના કેશોદથી સૈન્યના હવાઈ જહાજો ઉડ્યા, દેલવાડા સુધીની રેલવે લાઈનો લશ્કરી કુમુકોથી ધમધમી ઉઠી અને ૧૭ ડિસેમ્બરે આખરી હુકમ આવતા જ મિલીટરીએ માર્ચ કરી અને સામેથી આવતા દારૂગોળાઓના પ્રતિકાર કરી, થોડી ખૂમારી વેઠીને પણ દીવનું એરપોર્ટ ખેદાનમેદાન કરી નાખ્યું અને બહારથી આવતો પુરવઠો અટકાવી શૌર્યભરી રીતે દીવ કબજે કર્યું અને દીવના તત્કાલીન પોલીસ કમિશનર બર્નાડો અને તેની સેનાએ ભારતીય સૈન્યની શરણાગતિ સ્વીકારી અને દીવ ભારતનું અંગ બન્યું.
૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું અને જેના પ્રથમ એડમિનિસ્ટે્રટર તરીકે પ્રભાસપાટણના નાગર સદ્ગૃહસ્થ-કલેક્ટરપદના અધિકારી પ્રમોદરાય વૈદ્ય એટલે કે પ્રેમસુખભાઈ વૈદ્ય નિમાયા. દીવ મુક્ત કરાવવામાં સોરઠના તત્કાલીન જિલ્લા પોલીસ વડા મજબૂતસિંહ જાડેજા અને સોરઠ પોલીસની કાબિલેદાદ કામગીરી હતી.
દીવ મુક્ત થયાની રાત્રે જ્યારે ઉનામાં ખબર પડી ત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો અને આ વિજયી સૈન્યના બ્રિગેડિયર જશવંતસિંગ, જયાબેન શાહ, ડીએસપી મજબૂતસિંહ જાડેજા અને કલેક્ટર મથુરાદાસ તથા સૈન્યનું સ્વાગત-સન્માન કરાયું.
દીવ મુક્તિ માટે સૌરાષ્ટ્રના અનેકો સત્યાગ્રહીઓનું મોટું યોગદાન છે.
યથા સ્મરણ રસિકભાઈ આચાર્ય, રતુભાઈ અદાણી, નરભેશંકર પાણેરી, સૂર્યકાંત આચાર્ય, વજુભાઈ શુક્લ, નવીનચંદ્ર રવાણી, સનત મહેતા, લવજી પટેલ, મનુભાઈ જોશી, ગિરધર વાઘેલા, અસગરઅલી ગાંધી, ચીમન મહેતા, સુરગભાઈ વરૂ, કનુભાઈ લહેરી, જશવંત મહેતા, ચંદ્રશંકર યાજ્ઞિક સહિત અનેકો… આજે દીવ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે.