આંદોલિત ખેડૂતોએ કશું કર્યું ? ક્યાં ટ્રેનો રોકી ? વાંચો
ખેડૂત આંદોલનના બે બિનરાજકીય સંગઠનો કેએમએમ અને એસકેએમ બુધવારે રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા. ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. સેંકડો ખેડૂતો રેલ્વે ટ્રેક પર બેસી જવાના કારણે તે રૂટ પરની તમામ ટ્રેનો વિવિધ સ્થળોએ રોકી દેવામાં આવી હતી. પંજાબના ઘણા વિસ્તારોમાં ટ્રેન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂત સંગઠનોએ પહેલાથી જ બપોરે 12 થી 3 વાગ્યા સુધી ત્રણ કલાકના રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી. ખેડૂતો હવે ટસના મસ થવા તૈયાર નથી
વિરોધ કરી રહેલા ખેડૂતોએ ત્રણ વખત દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા. એમએસપી અને અન્ય માંગણીઓ પર કાનૂની ગેરંટી માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ 12 થી 3 વાગ્યા સુધી આ રીતે રેલવે ટ્રેક પર બેસી રહ્યા હતા. અમૃતસર સહિત વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
રેલ રોકો આંદોલનને કારણે દિલ્હી-જમ્મુ, દિલ્હી-અમૃતસર, દિલ્હી-જાલંધર અને દિલ્હી-ફિરોઝપુર જેવી મહત્વની રેલવે લાઈનો પરની ટ્રેન સેવાઓને અસર થઈ છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે.
આમરણાંત ઉપવાસમાં ૧૦૦ ખેડૂતો જોડાયા, ડલ્લેવાલની તબિયત બગડી છે
ખેડૂત નેતા સર્વન સિંહે કહ્યું કે જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત ઉપવાસના 22 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે હજુ સુધી ખેડૂતો સાથે વાત કરી નથી. મોદી સરકાર ખેડૂતોના પ્રશ્નોને પાટા પરથી ઉતારવા માંગે છે. પંજાબમાં જ્યાં પણ રેલવે ફાટક છે ત્યાં ખેડૂતોએ રોક લગાવીને ટ્રેનો રોકી છે. બુધવારે ૧૦૦ ખેડૂતો ઉપવાસમાં જોડાઈ ગયા હતા.
ખેડૂતોના આંદોલનને કારણે ખનૌરી બોર્ડર પર વાતાવરણ તંગ છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ ઉપવાસ તોડવા તૈયાર નથી.