૭૪ વર્ષમાં સોનું ૮૧૫ ગણું વધી રૂા.૮૦,૭૬૦એ પહોંચ્યું!
સોનાના ભાવ પણ ઘટે હો..!!
૨૦૧૨ બાદ ૫ વર્ષ સુધી સોનાના ભાવ ઘટેલા રહ્યા હતા
૧૯૫૦માં ૧૦ ગ્રામ સોનું ૯૯ રૂપિયામાં મળતું, આજે રૂા.૮૦,૭૦૦ની
સપાટીએ પહોંચ્યું: ૧૯૬૪માં એક તોલું સોનું માત્ર ૬૩ રૂપિયામાં મળતું!
શેરબજારની જેમ સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે ત્યારે ૧૯૫૦ થી લઈ ૨૦૨૪ના ૭૪ વર્ષના સમયગાળામાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવા સોનાએ લોકોને ૮૧૫ ગણું વળતર આપ્યું છે, જો કે, સલામત મૂડી ગણાતા સોનાના ભાવમાં ક્યારેય ઘટાડો આવતો ન હોવાની વાત ખોટી છે કારણ કે વર્ષ ૧૯૫૦માં ૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે વેચાતું સોનુ ૧૯૪૬ના વર્ષમાં ફક્ત ૬૩ રૂપિયા તોલું થઇ ગયું હતું તો વર્ષ ૨૦૧૨માં ૩૧ હજારની સપાટીએ પહોંચેલ સોનુ સતત પાંચ વર્ષ નબળું પડી જતા ભાવ ઘટી ગયા હતા અને બાદમાં ફરી ૨૦૧૮માં સોનાના ભાવે ૩૧ હજારની સપાટી કુદાવી હતી.
અમીર હોય કે, ગરીબ, પુરુષ હોય કે પછી સ્ત્રી… ગુજરાતી હોય કે, પંજાબી કે પછી કોઈપણ વિદેશી હોય સોનના આભૂષણ પહેરવાનો અને સોનું ખરીદી સંગ્રહ કરવાનો ટે્રન્ડ જગતભરમાં જોવા મળે છે, ખાસ કરીને સોનુ અને ચાંદી સલામત રોકાણ મનાતું હોવાથી અમીર ગરીબ કોઈપણ વ્યક્તિ અચૂકપણે સોનામાં રોકાણ કરી પોતાના અને પોતાના પરિવાર માટે સોનાની ખરીદી કરતા હોય છે. ખાસ કરીને ભારતીય નાગરિકોમાં લગ્નપ્રસંગમાં પણ દીકરા-દીકરીઓને સોનાના આભૂષણ આપવાની પ્રથા ચાલી આવતી હોય અન્ય દેશોની તુલનાએ ભારતમાં સોનાનું માર્કેટ ખુબ જ મોટું છે. અને આજ કારણોસર સોનાને લઈ અનેક કહેવતો પણ પ્રચલિત બની છે ત્યારે વર્ષ ૧૯૫૦થી લઈ અત્યાર સુધીના સોનાના ભાવ જોવામાં આવે તો ૭૪ વર્ષમાં સોનના ભાવ ૮૦૦ ગણાથી વધુ વધ્યા છે.
ભારત સહિત વિશ્વમાં સોનાને રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે, જો કે, વર્તમાન સમયમાં સોનાની જેમ જ ડાયમંડ, પ્લેટિનમ જેવી કિમતી ધાતુઓ ઉપરાંત સલામત મૂડી રોકાણ માટે જમીન-મકાન જેવી મિલ્કતો પણ રોકાણકારો ખરીદતા હોય છે સાથે જ શેરબજાર અને મ્યુચ્યલ ફંડ તેમજ ફિક્સ ડિપોઝીટ પણ શ્રેષ્ઠતમ રોકાણ માનવામાં આવે છે પરંતુ અમીર -ધનિક સૌ કોઈ વર્ગ આજે પણ સોનામાં મૂડી રોકાણને શ્રેષ્ઠ ગણી રહ્યા છે.
કમાણી માટે સોનાની ખરીદી
એક સમય હતો કે,જયારે લોકો સંકટ સમયે ઉપયોગમાં લઈ શકાય તે માટે જ સોનાના દાગીના ખરીદતા હતા પરંતુ હવે સમય બદલાયો છે આજના યંગ જનરેશનથી લઈ મોટેરાઓ સોનાની ખરીદી નફો કમાવવા માટે કરી રહ્યા છે, રાજકોટમાં બ્યુટી પાર્લર ચલાવતા જહાન્વીબેન જણાવે છે કે, હું દર મહિને નિયમિત પણે ૨૦૦૦થી લઈ ૧૦ હજાર કે તેથી વધુ રકમનું ફાઈન સોનુ એટલે કે ૨૨ કેરેટ ગોલ્ડની ખરીદી ગીની સ્વરૂપે કરું છે અને સોનાના ભાવ વધે ત્યારે વેચીને કમાણી કરી લઉં છું.
સોનાના દાગીનાને બદલે હવે ગિનીની ખરીદી કરવાનું ચલણ વધી ગયું છે: સોનુભાઈ સાહોલિયા
રાજકોટમાં વી.જી.ગોલ્ડ નામની પેઢી ધરાવતા સોની વેપારી સોનુભાઈ સાહોલિયાં જણાવે છે કે, એક સમય હતો ત્યારે લોકો નાના મોટા આભૂષણો ખરીદી કરતા પરંતુ હવે ટે્રન્ડ બદલાયો છે, લોકો સોનાના આભૂષણોની સાથે સાથે હવે બજારમાં ઉપલબ્ધ એક મિલીગ્રામથી લઈ ૧ તોલું કે તેથી વધુ વજનની ગીની અને સોનાના બિસ્કિટની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને ફાઈન સોનુ ખરીદવાથી જયારે જયારે સોનાના ભાવમાં વૃદ્ધિ થાય ત્યારે આભૂષણ વેચવા જાવ તેની તુલનાએ ફાઈન સોનામાં કોઈ ઘાટી કે ઘટ સહન કરવાને બદલે વધુ પ્રોફિટ મળતો હોય રોકાણ માટે પણ લોકો ગીની અને બિસ્કિટ વધુ પ્રિફર કરી રહ્યા છે.