આજે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો
૨૩૦૦ જેટલા લાભાર્થીઓને રૂપિયા સવા ત્રણ કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ
રાજકોટ :રાજકોટનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે. જેમાં આશરે ૨૩૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા સવા ત્રણ કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળામાં ૭૧૫ મહિલા લાભાર્થી તથા ૧૫૮૦ જેટલા પુરુષ લાભાર્થીઓને રાજ્ય સરકારની મહત્ત્વની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન, નાગરિક પૂરવઠો અને ગ્રાહકોની બાબતોની અન્નપૂર્ણા યોજના હેઠળ ૩૭ લાભાર્થીઓને લાભ અપાશે. ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગની માનવ કલ્યાણ યોજના હેઠળ આશરે ૬૫૦થી વધુ લાભાર્થીઓને રૂપિયા ૭૭.૧૮ લાખથી વધુની રકમની વિવિધ સહાય આપવામાં આવશે. વાજપેઈ બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા એક લાખના ચેકનું વિતરણ પણ કરાશે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનરની કચેરી તરફથી ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ૪.૫૦ લાખની સહાય અપાશે. જ્યારે નવ જેટલા સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ.૧૩.૫૦ લાખની સહાય અપાશે.
૬૦૦થી વધુ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પેટે રૂ.૩૪ લાખથી વધુની સહાય જ્યારે ૪૮ જેટલા સ્વસહાય જૂથોને સ્ટાર્ટ અપ ફંડ પેટે રૂ.૨.૬૭ લાખની સહાય વિતરિત કરાશે. છ જેટલા ગ્રામ સંગઠનને સ્ટાર્ટ અપ ફંડ પેટે રૂ.૪.૫૦ લાખની સહાય અપાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પેટે ૪૧ લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. વિવિધ ૩૫ જેટલ સ્વ સહાય જૂથોને બેન્ક લોન પેટે રૂ. ૭૯ લાખથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવશે. કૃષિ અને સહકાર વિભાગની કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ બે લાભાર્થી નોંધાયા છે. જ્યારે સ્માર્ટ ફોન યોજના હેઠળ ત્રણ લાભાર્થી ખેડૂતોને રૂ.૧૮ હજારની સહાયનું વિતરણ કરાશે.
સાથે જ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગ દ્વારા ૨૩ જેટલા લાભાર્થીઓને ૧૦૦ ચોરસવારના મફત પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ૩૦થી વધુ લાભાર્થીઓને વિવિધ સહાય અપાશે.મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજના હેઠળ ૩૭ લાભાર્થીઓને રૂ.૩૯.૬૦ની સહાય આપવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માનવ ગરીમા યોજના હેઠળ ૬૩ લાભાર્થીને રૂ. છ લાખથી વધુની સહાય, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૨૬૦થી વધુ લાભાર્થીને રૂ. ૩૨ લાખથી વધુની સહાયનું વિતરણ કરાશે. ઉપરાંત બીસીકે-૩૧ માનવ ગરીમા યોજના હેઠળ ૪૯ લાભાર્થીને રૂ. ૧૦.૫૩ લાખની સહાય તેમજ ૨૦૩ દિવ્યાંગોને સાધન સહાય અપાશે. પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ૪૭ લાભાર્થીઓને રૂ.૨૧.૨૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે.