મેકઅપ આર્ટિસ્ટ યુવતી કપડાં બદલતી’તી અને પાડોશમાં રહેતા ફોટોગ્રાફરે વિડીયો ઉતાર્યો
પેડક રોડ પાસેનો બનાવ : વડોદરામાં રહેતી યુવતી રાજકોટ નાકના ઓપરેશન માટે માતાના ઘરે આવી’તી : રૂમમાં કપડાં બદલતી હતી ત્યારે બારીમાંથી યુવાને વિડીયો ઉતારી લીધો
શહેરના પેડક રોડ પરના વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટ થતાં ફોટોગ્રાફીનું કામ કરનાર શખસે પાડોશમાં આવેલી મેકઅપ આર્ટિસ્ટ યુવતી પોતાના રૂમમાં કપડા બદલાવતી હોય દરમિયાન તેનો વિડીયો ઉતારી લીધો હતો.આ મામલે પોલીસે પાડોશી શખસનો મોબાઇલ ચેક કરતા તેમાં વાંધાજનક વિડીયો મળી આવ્યો હતો.જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
શહેરના પેડક રોડ પરના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા વિજય વલ્લભભાઈ પારખીયા (ઉ.વ ૩૬) નું નામ આપતા જણાવ્યું હતું કે, તે હાલ વડોદરા રહે છે અને અહીં મેકઅપ આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે.તે અહીં રાજકોટમાં રહેતા તેના માતાના ઘરે નાકના ઓપરેશન માટે થોડા દિવસ પૂર્વે આવી હતી અને રોકાઈ હતી.રવિવાર સાંજના તે તેમના મોટા બહેન તથા અન્ય મહિલા મિત્રો સહિતનાઓ સાથે હોટલમાં જમવા ગયા હતા અને રાત્રિના દસેક વાગ્યે ઘરે પરત ફર્યા હતા.
રાત્રિના યુવતી ઘરમાં ઉપરના રૂમમાં કપડાં ચેન્જ કરવા માટે ગઈ હતી. દરમિયાન તેને અગાસીની બારીમાંથી કોઈ વાંકડિયા અને મોટા વાળ વાળો શખસ મોબાઇલમાં વિડીયો ઉતારતો હોય તેવું લાગતાં તુરત તેણે પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. બાદમાં અગાસીમાં જઈ જોતા કોઈ જોવા મળ્યું ન હતું. પાડોશમાં જ રહેતા વિજયને અવાજ કરતા તે તુરત બહાર આવ્યો ન હતો જેથી તેના પર શંકા ગઈ હતી. બાદમાં વિજયના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હોય જે ચેક કરવાનું કહેતા વિજયે કેમેરા બરાબર નથી ચાલતા કહ્યું હતું.જેથી પોલીસને જાણ કરતાં બી ડિવિઝન પોલીસ દોડી આવી હતી.અને પોલીસે વિજયનો મોબાઇલ ચેક કરતા તેમાંથી યુવતીનો વાંધાજનક વિડીયો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી વિજય પારખીયા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.