રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી : ડેન્ગ્યુએ વધુ એકનો ભોગ લીધો
કોઠારીયા રોડ પર રહેતા મહિલાનું ડેન્ગ્યુની બીમારીથી મોત : આરોગ્ય તંત્રમાં દોડધામ
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે.મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેંગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા વિસ્તારમાં રહેતી પરિણીતા ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને રસ્તામાં જ દમ તોડી દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ છાશવારે તાવ અને ડેન્ગ્યુ સહિતની બીમારી સબબ અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં કોઠારીયા ગામે આવેલા ભવાની ચોક પાસે રહેતી નયનાબેન આશિષભાઈ મોલીયા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિવાર દ્વારા પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા. ત્યારે નયનાબેને રસ્તામાં જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટના પગલે આજીડેમ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક નયનાબેન મોલીયાના પતિ દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.અને નયનાબેન મોલીયાને સંતાનમાં એક દસ વર્ષનો પુત્ર છે નયનાબેન મોલિયા છેલ્લા પાંચ દિવસથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાયા હતા અને તેની દવા ચાલુ હતી બાદમાં તેમનું સારવારમાં મોટ નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે,રાજકોટમાં સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના 100 જેટલા કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા ચૂક્યા છે.