આજે કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો ઉપર મતદાન
10 વર્ષ બાદ થશે ચૂંટણી : 23 લાખથી વધુ મતદારો
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્રણ તબક્કામાં યોજાનાર ચૂંટણીનાં પ્રથમ તબક્કાના મતદાન માટે બુધવારે (18 સપ્ટેમ્બર) મતદાન થશે. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ 24માંથી 16 બેઠક કાશ્મીર ઘાટીની છે જયારે બાકીની 8 બેઠક જમ્મુની છે. આ 24 બેઠક માટે કુલ 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની કુલ 16 બેઠકો પર મતદાન થશે. તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયા, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ અને પહેલગામનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ વિભાગની 8 બેઠકો ઈન્દરવાલ, કિશ્તવાડ, પદ્દાર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થશે. આ બેઠકો પર કુલ 23,27,580 નોંધાયેલા મતદારો છે.