રાજકોટમાં ફાયર બ્રિગેડનું માળખું વધુ સુદ્રઢ કરાશે
સામાકાંઠે વોકિંગ ટ્રેક, સાગઠીયાનો એસીબી કેસ સહિત 46 દરખાસ્ત અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકામાં આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સામાકાંઠે પેડક રોડ પર ઓડીટોરીયમની બાજુમાં કમ્પાઉન્ડ હોલ, વોકિંગ ટ્રેક, હોર્ડિંગ બોર્ડ પર જાહેરાતના હકક આપવા, પ્રધ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં ટુ વે ગેઇટ બનાવવા, લાંચ કેસના આરોપી ટીપીઓ સાગઠીયા વિરુદ્ધના કેસ અને ફાયર બ્રિગેડના રિવાઇઝડ સેટઅપને મંજૂરી સહિતની 46 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી રહી છે જેમાં જુદી-જુદી 46 દરખાસ્ત મુકવામાં આવી છે જેમાં સામાકાંઠે પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાસેના અનામત પ્લોટમાં વોકિંગ ટ્રેક બનાવવો, શહેરમાં બોહળો પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટેની દરખાસ્તની સાથે શહેરના તમામ વોર્ડમાં આવેલી તમામ પ્રકારની સ્ટ્રીટ લાઇટ ચાલુ-બંધ કરવાના મેઇન્ટેનન્સ તથા નવા એલ.ઇસડી. સ્ટ્રીટ લાઇટ ફીટીંગ તથા ફેર બદલી કરવા કામ ફાળવવા તથા શહેરના કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક, ગોંડલ-મવડી રોડ સહિતના વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ હોર્ડીંગ બોર્ડ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાનાં હકક આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર વિભાગને વધુ સુદ્રઢ બનાવવા નવી ભરતી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મનપા દ્વારા આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટિમાં ભરતી અંગે દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં હાલની ૧૦ પોસ્ટ વધારીને ૧૫ કરવાની સાથે ૨૨૫ને બદલે કુલ ૬૨૬ જગ્યાઓ ભરવામાં આવનાર છે.
હાલના સ્ટાફ સેટઅપમાં ચીફ ફાયર ઓફિસર – ૧, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર-૧, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ – ૧, સ્ટેશન ઓફિસર – ૧૬, લીડીંગ ફાયરમેન -૨૬, સિનીયર કલાર્ક – ૧, જુનિયર કલાર્ક – ૧૦, ફાયર ઓપરેટર (પુરૂષ) – ૧૬૮, ડ્રાઇવર – ૩૦, પટ્ટાવાળા – ૨ તથા કલીનર – ૧૨ મળીને કુલ ૨૬૮નો સ્ટાફ છે.જેની સામે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યાનો ઉમેરો કરવા તેમજ સ્ટેશન ઓફિસસરની 16 નવી જગ્યા ઉભી કરવી ફાયર ઓપરેટર અને ડ્રાઇવર સહિત મહાપાલિકામાં કુલ 696ના સ્ટાફનું વધુ મજબૂત માળખું બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે જે અંગે નિર્ણય લેવામાં આવશે
હરસના ઓપરેશન માટે પણ કર્મચારીઓએ સહાય માંગી
રાજકોટ મહાનગર પાલિકાની આજે મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા હદયરોગ, કેન્સર જેવી ખર્ચાળ બીમારીની સારવાર તેમજ અક્સમાતમાં આશ્રિતને ઇજા થતા મેડિકલ સહાય આપવા દરખાસ્ત કરવામાં આવી છે સાથે જ કુલ તબીબી સહાયના 10 કીસ્સામાથી 2 કિસ્સામા તો હરસના ઓપરેશન માટે પણ કોર્પોરેશન પાસેથી કર્મચારીઓએ સહાય ચૂકવવા માંગ કરતા આ તમામ દસ કિસ્સા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવ્યા છે.