મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. સિંધુદુર્ગ જિલ્લાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26મી ઓગસ્ટના તૂટી પડવાના કિસ્સામાં રાજકારણ ગરમાયા બાદ રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે જ્યારે પીએમ મોદી મહારાષ્ટ્રના પાલઘર પહોંચ્યા ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સ્ટેજ પર હાથ જોડીને માથું નમાવ્યું અને કહ્યું, ‘હું શીશ નમાવીને શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગું છું.’
શું કહ્યું પીએમ મોદીએ?
વડાપ્રધાન મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે પાલઘરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે તેમનું સન્માન કર્યું હતું. PM મોદીએ અહીં 76,000 કરોડ રૂપિયાના વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે આશરે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પહેલા તેણે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને પણ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના સંબોધન દરમિયાન ભૂતકાળમાં શત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, શિવાજીની પ્રતિમા પડવા બદલ હું માથું નમાવીને માફી માંગુ છું.
સીએમ શિંદેએ પણ માફી માંગી
તમને જણાવી દઈએ કે આ પહેલા સીએમ એકનાથ શિંદેએ પણ પ્રતિમા પડવાના મુદ્દે માફી માંગી હતી. સતત આલોચનાનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ 100 વાર મહાન શકિતશાળી શાસકના ચરણ સ્પર્શ કરવામાં અને આ ઘટના માટે માફી માંગવામાં અચકાશે નહીં. વિપક્ષ પાસે રાજકારણ કરવા માટે અન્ય મુદ્દા પણ છે, પરંતુ મહારાષ્ટ્રમાં પૂજનીય શિવાજી મહારાજને તેનાથી દૂર રાખવા જોઈએ. બીજી તરફ તાજેતરમાં સિંધુદુર્ગ જિલ્લામાં પ્રતિમા પડવાની ઘટનાને કારણે સર્જાયેલી ગરમી વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાના કારણો શોધવા માટે ટેકનિકલ કમિટીની રચના કરી છે.