લોકમેળાના એન્ટ્રી-એક્ઝિટ ગેટ, રાઇડ્સ સહિતની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
રાજકોટ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ યોજાઈ રહેલા લોકમેળામાં ભાગદોડ કે અન્ય કોઈ દુર્ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મારફતે ખાતે વર્કશોપ યોજ્યા બાદ બુધવારે એનઆઈડીએમના અધિકારીએ રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજનાર લોકમેળા સ્થળની મુલાકાત લઈ એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ, રાઇડ્સ સહિતની બાબતોનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી લોકમેળા સમિતિને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ અંગેનો ગુજરાતનો પ્રથમ કહી શકાય તેવો સેમિનાર-વર્કશોપ મંગળવારે યોજ્યા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી વિમલ તિવારીએ રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજનની જાત મુલાકાત લઈ રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, એનઆઈડીએમના અધિકારી વિમલ તિવારી રાજકોટના લોકમેળાની તૈયારી અંગે સ્થળ મુલાકાત લેનાર હોવાથી સવારથી જ નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, સીટી પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમાર, ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ કીર્તિ, માર્ગ અને મકાન વિભાગના જાની તેમજ શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. સાથે જ રાઇડ્સ અને સેફટી કમિટી પણ હાજર રહી હતી અને રેષકોર્ષ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી હવે તંત્રને આયોજન અંગે ઓવર વ્યુ આપનાર હોવાનું જાણવા મળે છે.