વાયદા બજારમાં વર્ષે રોકાણકારોને કેટલી ખોટ ગઈ ? જુઓ
સેબીના પ્રમુખ માધવી પુરીએ એમ કહ્યું હતું કે બજારમાં એફ ઍન્ડ ઑ એટલે કે ફ્યુચર ઍન્ડ ઑપ્શન સેગમેન્ટમાં ટ્રેડિંગ કરવાનું રોકાણકારોને ભારે પડી રહ્યું છે અને એક જ વર્ષમાં રોકાણકારોને રૂપિયા 60 હજાર કરોડની નુકસાની થઈ છે. દેશના પરિવારો આ ટ્રેડિંગમાં ધોવાઈ ગયા છે.
એમણે એનએસઇ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એ વાત પર ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ડેરિવેટિવ બજારોમાં આ પ્રકારના ટ્રેડિંગને મોટો ઇસ્યુ શા માટે માનવામાં આવતો નથી. આ બાબતને ગંભીરતાથી કેમ લેવાતી નથી.
પુરીએ વધુમાં કહ્યું હતું કે જો એફ ઍન્ડ ઑ ક્ષેત્રમાં દર વર્ષે રૂપિયા 50 થી 60 હજાર કરોડની નુકસાની રોકાણકારોને થઈ રહી છે તો પછી તેને વ્યાપક મુદ્દો કેમ ગણવામાં આવતો નથી તે વાતનું આશ્ચર્ય છે. આ બારામાં ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આ જંગી રકમ આવનારા આઇપીઓ અને અન્ય ફંડમાં પણ રોકી શકાઈ હોત.
એમણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે બજારમાં પેટીએમ જેવા ગોટાળા કરવાની મંજૂરી અપાશે નહીં. સેબીના એક રિપોર્ટ મુજબ વાયદા બજારમાં 90 ટકા સોદા નુકસાનીમાં જ રહ્યા છે. એમણે આ ગતિવિધિને રોકવા માટે કેટલાક સૂચનો પણ કર્યા હતા.