મનપાએ અમારી જાણ બહાર જમીન આપી દીધી: કમલ ડોડિયા
સાચું કોણ ? યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ કે બિલ્ડર ?
બધું નિયમ પ્રમાણે થયું છે, યુનિ.ને સમજફેર થઈ છે: લાડાણી
આજે યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીનના કબજા બાબતે કાર્યવાહી કરવા અંગે લેવાશે નિર્ણય
જમીન વિવાદ મામલે એકબીજાને ખોટા' પાડવાની રમતમાં કરોડો રૂપિયાની જમીન સલવાયેલી
જેલની હવા ખાઈ રહેલા મનપાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ યુનિવર્સિટીની માલિકીની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરને ભેટ ધરી દીધી હોવાનો પર્દાફાશ
વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ યુનિવર્સિટી અને બિલ્ડર વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો શરૂ થઈ જવા પામ્યો છે. એકંદરે આ પ્રકારની વાતો વચ્ચે આખરે સાચું કોણ તે અત્યારે કહી શકવાની સ્થિતિમાં કોઈ રહ્યું નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે આ જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની છે અને મહાપાલિકાએ યુનિ.ની જાણ બહાર આપી દીધી છે. અમારી જમીન શા માટે લઈ લેવામાં આવી તેનો જવાબ મનપાએ આપવો જોઈએ. જો આ જમીન બિલ્ડર પાસે હોય તો તે કઈ રીતે તેની પાસે ગઈ તે પ્રશ્ન મહાપાલિકાનો છે. યુનિ. દ્વારા આ અંગે દસેક વખત મહાપાલિકા સાથે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પ્રકારનો જવાબ ત્યાંથી મળ્યો નથી. અત્યારે યુનિ.ની માલિકીની જમીન ઉપર બાંધકામ થઈ ગયું છે ત્યારે કાયદાથી ઉપર કોઈ હોતું નથી એટલા માટે મહાપાલિકાએ તાત્કાલિક આ જમીન ખાલી કરાવીને યુનિવર્સિટીને પરત સોંપવી જોઈએ. આ જમીન ૧૫૪૭ ચોરસમીટર છે જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. મહાપાલિકાએ ટીપી સ્કીમની જમીનનો કબજો લીધો છે પરંતુ જે જમીન બિલ્ડર પાસે છેતે ટીપી સ્કીમમાં આવતી જ નથી ! આ જમીન ૧૯૬૮થી અમારી પાસે છે. અમે આ અંગે સરકારને પણ રજૂઆત કરી હતી ત્યારે ત્યાંથી મનપાને રજૂઆત કરવા કહેવાતાં અમે અહીં પત્ર વ્યવહાર શરૂ કર્યો છે.
જગ્યા યુનિવર્સિટીની હોવાનો દાવો કરાયા બાદ તે જમીન પર સાઈટ શરૂ કરનાર બિલ્ડર દિલીપ લાડાણીએ જણાવ્યું કે આ બધી પાયાવિહોણી વાત છે. જમીન આપવામાં મહાપાલિકાએ કોઈ જ ભૂલ કરી નથી. યુનિવર્સિટીમાં નવા આવેલા અધિકારી અણસમજું છે ! યુનિવર્સિટીનો અમુક ભાગ મુંજકા, અમુક ભાગ રૈયાને લાગુ પડે છે એટલા માટે યુનિવર્સિટીએ પહેલાં પોતાની ક્મ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરવું જોઈએ. આ ઉપરાંત ડીઆઈએલઆર કચેરીમાં પ્લોટનું વેરિફિકેશન કરાવી લેવું જોઈએ. જો આ કાર્યવાહી કરાશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે બધું નિયમ પ્રમાણે જ ફાઈનલ થયું છે. આ જમીન ટાઉન પ્લાનિંગ વિભાગ-ગાંધીનગર દ્વારા મંજૂરી આપીને અમને ફાળવાઈ છે સાથે સાથે મહાપાલિકા દ્વારા કબજા રોજકામ પણ કરવામાં આવ્યું છે.
અમે કપાત કરવાની હતી એ જમીન કપાત કરી જ લીધી છે. અગાઉ આ મામલે પોલીસમાં પણ અરજી થઈ હતી ત્યારે અમારું નિવેદન લેવાયું હતું. રહી વાત પત્ર વ્યવહારના જવાબ આપવાની તો આટઆટલા પત્ર લખ્યા બાદ પણ જવાબ ન મળી રહ્યો હોય તો યુનિવર્સિટીએ સમજી જવું જોઈએ કે તેનો દાવો ખોટો છે એટલા માટે જ મહાપાલિકા દ્વારા જવાબ અપાઈ રહ્યો નથી !