શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી : સેન્સેક્સ 1700 પોઈન્ટ ઉછળ્યો
એકઝિટ પોલના દિવસે ગયેલું નુકસાન ત્રણ દિવસમાં જ રીકવર થઇ ગયું
76693ની સર્વોચ્ચ સપાટી મેળવી : રોકાણકારોની સંપતિ 28 લાખ કરોડ વધી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ સરકાર રચવા જઈ રહી છે તેવા વિશ્વાસ પછી આજે રીઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેરાત દરમિયાન વ્યાજદરો યથાવત રાખતી વખતે જી.ડી.પી. નું અનુમાન 7 ટકાથી વધારીને 7.2 કરતા શેરબજાર રોકેટગતિએ ઉપર ગયું હતું અને રોકાણકારો ધૂમ કમાયા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ 1618 પોઈન્ટ ઉછળીને 76693 ઉપર અને નિફ્ટી 468 પોઈન્ટ વધીને 23290 ઉપર બંધ થયો હતો. શેરબજારમાં સતત ત્રણ દિવસથી જોરદાર તેજી જોવા મળી રહી છે અને આ ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં 28 લાખ કરોડનો વધારો થયો છે. આ સાથે જ બી.એસ.ઈ. માં લીસ્ટેડ કંપનીની મૂડી 423.2 લાખ કરોડ પહોંચી ગઈ છે.
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 4700 પોઈન્ટ વધ્યો છે.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. આઈટી, ઓટો, એનર્જી શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. PSE, મેટલ, રિયલ્ટી શેર્સમાં ખરીદારી જોવા મળી હતી. મોદી સરકાર બનવાની કવાયત તેજ થતાં જ શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે.
આ પૂર્વે સવારે શેરબજાર સપાટાબંધ ખુલ્યું હતું. સેન્સેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 74,971.67 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 0.09 ટકાના ઘટાડા સાથે 22,801.70ની સપાટી પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ અને ડીવીસ લેબ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક , L&T, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઈઝ ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા.